rajkot તા.17
આગવી સૂઝ અને વૈજ્ઞાનિક અભિગમ માટે માણસે કોઈ યુનિવર્સિટીમાં ભણવાની જરૂર નથી હોતી. આપણે જે વ્યવસાય સાથે જોડાયેલા હોઈએ તેમાં કઈક નવીનતમ પ્રયોગો કરવાની ઘેલછા, સાહસ અને દીર્ઘદ્રષ્ટિ માણસને સફળ બનાવે છે.
રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના રાજપરા ગામમાં રહેતા મહેશભાઈ ગઢીયા પોતાની ૧૦ વિઘા જમીનમા પ્રાકૃતિક ખેતીના પ્રયાસો અને પ્રયોગો કરે છે. મહાત્મા ગાંધીજીએ જેમ પોતાના જીવન દરમિયાન સત્યના પ્રયોગો કરી જીવન સાર્થક કર્યુ તેમ મહેશભાઈ પોતાની જમીનમાં પ્રાકૃતિક ખેતીના પ્રયોગો કરે છે.
સાહસિક અને પ્રયોગશીલ ખેડૂત મહેશભાઈ પોતાની પ્રાકૃતિક ખેતીની સફર અંગે જણાવે છે કે, હું એક રીતે વર્ષ ૨૦૦૬ થી પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલો છુ. એ સમયે હું પોતાના પરિવાર માટે એક એકરમા ગાય આધારિત ખેતી કરતો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૧૮ માં કૃષિ નિષ્ણાંત સુભાષ પાલેકરજી જામકંડોરણા આવ્યા ત્યારે આઠ દિવસની શિબિરમાં હું જોડાયો અને મારો ખેતી પ્રત્યેનો અભિગમ બદલાયો અને હું સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો હતો”.
પોતાની ૧૦ વિઘા જમીનમા મગ, તુવેર, અડદ, રાગી, કાંગ, મરચું, હળદર, મગફળી સહિત પાકોના વાવેતર સાથે મહેશભાઈ ખેત પ્રયોગો કરે છે, ખેતી કુદરત આધારિત હોવાથી ક્યારેક સફળતા તો ક્યારેક નિષ્ફળતા મળે છે.
આધુનિક સૂઝ ધરાવતા મહેશભાઈ જણાવે છે કે, પ્રાકૃતિક કૃષિના ઘણા બધા ફાયદાઓ છે. સરકાર દ્વારા તાલીમ, પ્રોત્સાહન અને સબસીડી તો મળે જ છે, સાથે સાથે બજાર અથવા ગ્રાહકો પણ સરળતાથી મળી જાય અને રાસાયણિક ખેતીના ઉત્પાદનોની સરખામણીએ ગાય આધારિત ખેતીના ઉત્પાદનોના ભાવ પણ સારા પ્રમાણમાં મળી રહે છે.
મહેશભાઈ ઉત્સાહ સાથે કહ્યું કે, હું વધારે ભણેલો નથી, પણ ખેતીમાં પ્રયોગો અને ખેત સાહસ કરવા મને ગમે છે, મને ઈચ્છા હતી કે મારી જમીનમાં કાશ્મીરી મરચું વાવવું છે. આ માટે મેં બેંગ્લોરથી બિયારણ મંગાવ્યું હતું અને સારુ એવુ ઉત્પાદન પણ મેળવ્યું હતું.
મહેશભાઈ ખેત ઉત્પાદનોના વેચાણની સાથે સાથે ગ્રાહકોની માંગ મુજબ મગફળીનું તેલ, મરચી-હળદરના પાવડરનું પ્રોસેસિંગ કરી ‘વિશ્વાસ પ્રાકૃતિક ગ્રુપ’ના બેનર હેઠળ ગ્રાહકોને જાતે જ વેચાણ પણ કરે છે. મહેશભાઈ ઉમેર્યું કે, પ્રાકૃતિક ખેતીના ઘણા ફાયદાઓ પૈકી એક ફાયદો એ છે કે આ કૃષિથી આત્મસંતોષ વધુ મળે છે, કોઈ ગ્રાહકના પેટમાં કે જમીનમાં રાસાયણ નથી જતુ તેનો સંતોષ પણ થાય છે.
ખેડૂતે આ સાથે રાજ્ય સરકારને અપીલ પણ કરી કે, માર્કેટિંગ યાર્ડમાં પ્રાકૃતિક ખેત ઉત્પાદનોના વેચાણ માટે અલગ વ્યવસ્થા હોવી જોઈએ જેથી ગાય આધારિત ખેતી સાથે જોડાયેલા ખેડૂતોને તથા ગ્રાહકો અને વેપારીઓને એક જગ્યાએથી જ સરળતાથી બજાર મળી શકે.
આ સાથે મહેશભાઈએ ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપવા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરવાની સાથે અન્ય ખેડૂતો પણ આ ખેતી સાથે જોડાય તે માટે અપીલ કરી હતી.