Rajkot, તા. 18
રાજકોટ નાગરિક સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સની ગઇકાલે યોજાયેલી ચૂંટણીમાં 96.39 ટકા શાંતિપૂર્ણ મતદાન થવા પામેલ હતું. બેંકના ડેલીગેટસ મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યુ હતું.
રાજયમાં પ્રથમવાર આ મલ્ટી સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના બોર્ડ ઓફ ડિરેકટરની ચૂંટણી માટે મતદાન થયું હતું. હવે તેની મતગણતરી આવતીકાલે તા.19ને મંગળવારે થનાર હોય તેના પરિણામ તરફ બેંકના સભાસદો-ગ્રાહકોની ઉત્તેજના ભરી મીટ મંડાયેલી છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે કો-ઓપરેટીવ ઇલેક્શન ઓથોરિટી, મિનિસ્ટ્રી ઓફ કો-ઓપરેશન, ન્યુ દિલ્હી દ્વારા રાજકોટ નાગરીક સહકારી બેંક લી.ના બોર્ડ ઓફ ડિરેકટર્સની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા કલેકટરશ્રી, રાજકોટની નિમણૂક કરવામાં આવી હતી.
જે અન્વયે ગુજરાતમા પ્રથમ વખત કોઇ મલ્ટી સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું, જે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. બેંકના ડેલિગેટ્સ મતદારોએ ઉત્સાહપુર્વક મતદાન કરતા સાંજે 4.00 વાગ્યે મતદાનનો સમય પૂર્ણ થવા સુધીમાં 7 મતદાન મથકો પર કુલ 96.39% મતદાન નોંધાયું છે.
આ ચૂંટણીમાં કુલ 7 મતદાન મથક રાજકોટ શહેર, જેતપુર, મોરબી, જસદણ, અમદાવાદ, સુરત તથા મુંબઇ ખાતે બનાવવામાં આવ્યા હતા. રાજકોટ મતક્ષેત્રની 13 જનરલ સીટ માટે કુલ 23 ઉમેદવાર તથા અનામત ર મહિલા સીટ માટે કુલ 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. તટસ્થ અને પારદર્શી ચૂંટણી માટે તમામ 7 મતદાન મથક ઉપર મતદાન એજન્ટોની ઉપસ્થિતિમાં નિયમાનુસાર સવારે 8.00 કલાકે મતદાન શરૂ થયું હતું.
મુક્ત અને ન્યાયી ચૂંટણી અર્થે ચૂંટણી તંત્ર દ્વારા 247 “વોટર હેલ્પલાઇન” શરૂ કરવામાં આવી હતી, તથા તમામ મતદાન મથકો પર 247 “વેબ કાસ્ટિંગ” દ્વારા નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, મતદારોની સગવડ માટે 80 વર્ષથી વધુ ઉમરનાં 3 મતદારોને ઘરેથી લઇ આવવા-મુકવા જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ તમામ દિવ્યાંગ મતદારો માટે વ્હિલ-ચેર સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.
મહિલા સશક્તિકરણ અને સર્વસમાવેશકતાના સિદ્ધાંતને સાર્થક કરતા ચૂંટણી તંત્ર દ્વારા જેતપુર ખાતે 100% મહિલા સંચાલિત “પિંક બુથ” બનાવવામાં આવ્યું હતું, તંત્રના આ પ્રયાસોથી બેંકના મહિલા ડેલિગેટ્સ મતદારોનું 97.73% તથા મહિલા અનામત 2 બેઠકો માટે કુલ 96.39% તથા રાજકોટ મતક્ષેત્રની જનરલ 13 બેઠક માટે 96.43% જેટલું ઊંચું મતદાન કોઇપણ પ્રકારના અનિચ્છનીય બનાવ વિના પૂર્ણ થયું છે.
રાજકોટ શહેરમાં 96.43%, જેતપુર, સુરત અને મુંબઇમાં 100% મતદાન, મોરબીમાં 97.67%, જસદણમાં 93.10%, અમદાવાદમાં 81.82% મતદાન નોંધાયું છે. મતગણતરી તા. 19-11-2024ના રોજ 08.00 કલાકે રાજકોટ નાગરીક સહકારી બેંક, અરવિંદ મણીયાર સેવાલય, 150 ફુટ રિંગ રોડ, રૈયા સર્કલ પાસે, રાજકોટ ખાતે યોજાશે, તેમ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીની યાદીમાં જણાવાયું છે.