Kerala, તા.20
કેરળ હાઈકોર્ટે એક ચુકાદામાં સાસરિયા દ્વારા પરિણીતાના બોડી શેમીંગ- શરીરના આકારના બારામાં મજાક ઉડાવવામાં આવે તો તે ઘરેલુ હિંસાના ક્ષેત્રમાં આવે છે. જસ્ટીસ એ બધરુદીને આ ફેસલો એ અરજીને ફગાવીને આપ્યો હતો જે પરિણીતાની જેઠાણીએ રજુ કરી હતી, જેઠાણી પર ઘરેલુ હિંસાનો આરોપ હતો.
આ કેસ કન્નુર જિલ્લાના કુથુપરમના પોલીસની એક ફરિયાદના આધારે નોંધાયો હતો. જેમાં આરોપ લગાવાયો હતો કે મહિલાને તેના સાસરિયામાં ઘરેલુ હિંસાનો શિકાર બનાવાઈ હતી.
પોલીસ આ કેસમાં પરિણીતાના પતિ, સસરા અને જેઠાણી સામે કેસ દાખલ કર્યો હતો. અરજદારે એવો તર્ક આપ્યો હતો કે આવી બાબતો (બોડી શેમીંગ)ને ઘરેલુ હિંસાની શ્રેણીમાં ન આવે.
આ મામલે હાઈકોર્ટના જજે સ્પષ્ટ કર્યુ હતું કે ફરિયાદી મહિલાની શારીરિક બનાવટની મજાક ઉડાવવી અને તેની યોગ્યતા પર સવાલ ઉઠાવવા ધારા 498 એ ની વ્યાખ્યા (6) અંતર્ગત માનસિક અને શારીરિક નુકસાન પહોંચાડનારુ કામ માનવામાં આવી શકે છે. આ કામ ઘરેલુ હિંસાનું છે તેમ કહી હાઈકોર્ટે જેઠાણીની અરજી ફગાવી દીધી હતી.