દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાનને લઈને ભાજપે ફરી એક વખત પ્રહાર કર્યા
New Delhi, તા.૨૦
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાનને લઈને ભાજપે ફરી એક વખત પ્રહાર કર્યા છે. પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ પ્રેસ કોન્ફરન્સ કરીને અરવિંદ કેજરીવાલના ઘરમાં ગોલ્ડ પ્લેટેડ ટોઇલેટ સીટ અને વોશ બેસિનની તસવીરો જાહેર કરી છે. ભાજપે આમ આદમી પાર્ટી અને કેજરીવાલને સવાલ કર્યો છે કે, ‘આખરે કેજરીવાલ પાસે આટલા પૈસા આવ્યા ક્યાંથી? દિલ્હીની જનતા આનો હિસાબ માગશે.’
વીરેન્દ્ર સચદેવાએ આરોપ લગાવતા કહ્યું કે, ‘આ પૈસા હલાલના નથી, આ પૈસા દલાલના છે. આ દિલ્હીની જનતા સાથે ગદ્દારી કરીને કમાયેલા પૈસા છે જે તમે તમારી સુખ-સુવિધાઓ પાછળ ખર્ચ્યા છે. દિલ્હીની જનતા તેનો હિસાબ માગી રહી છે. ભાજપના કાર્યકરો આ કાળા નાણાનો હિસાબ માંગશે.’ આ દરમિયાન તેમણે ૨૧ નવેમ્બરથી અરવિંદ કેજરીવાલના ઘરનો ઘેરાવ કરવાની પણ જાહેરાત કરી હતી.
દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા વિજેન્દ્ર ગુપ્તાએ પણ આ મામલે મુખ્યમંત્રી આવાસમાં ખર્ચને લઈને અરવિંદ કેજરીવાલ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને સવાલ ઉઠાવ્યા છે. તેમણે ટ પર લખ્યું કે, ’કેજરીવાલના ’શીશ મહેલ’ પર નવા ખુલાસા! પીડબલ્યૂડીના દસ્તાવેજો દર્શાવે છે કે એપ્રિલ ૨૦૨૨ બાદ ત્યાં કોઈ કામ થયું નથી. તો પછી ’શીશ મહેલ’માં લાગેલી અગણિત સુવિધાઓ ક્યાંથી આવી? સૌથી ચોંકાવનારુંઃ ગોલ્ડ પ્લેટેડ કોમોડ અને બેસિન! ’શીશ મહેલ’ ખાલી કરતી વખતે કેજરીવાલ તેને પોતાની સાથે લઈ ગયા હતા. આખરે શા માટે? શું આ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ હતો? કેજરીવાલે જવાબ આપો!’
આ ઉપરાંત તેમણે કહ્યું કે, ‘અરવિંદ કેજરીવાલ કટ્ટર ઈમાનદાર હોવાનો ઢોંગ કરે છે, પરંતુ તેઓ સૌથી મોટા ભ્રષ્ટાચારી છે! પીડબલ્યૂડીના દસ્તાવેજોથી ખુલાસો થયો છે કે એપ્રિલ ૨૦૨૨ પછી કેજરીવાલના ’શીશ મહેલ’ પર કોઈ કામ નથી થયું. તો પછી સવાલ એ ઊઠે છે કે, ૨૦૨૪ સુધીમાં કરોડો રૂપિયાનો કિંમતી સામાન કેવી રીતે આવી ગયો?’