બે ટેન્કર અને જ્વલંનશીલ પદાર્થ મળી રૂા.૮૭.૫૪ લાખનો મુદામાલ કબ્જે : હોટલ સંચાલક સહિત ૬ ની ધરપકડ
Surendranagar, તા.૨૨
રાજકોટ-અમદાવાદ ધોરી માર્ગ પર આવેલા કટારીયા ગામના બોર્ડ પાસે આવેલી ક્રિષ્ના કાઠીયાવાડી હોટલ પર એસઓજીએ દરોડો પાડી પેટ્રોલ-ડીઝલ ચોરીનુ કૌભાંડ ઝડપી પાડયુ છે. પોલીસે સ્થળ પરથી બે ટેન્કર અને જ્વલંનશીલ પદાર્થ મળી રૂા.૮૭.૫૪ લાખનો મુદામાલ કબ્જે કરી હોટલ સંચાલક સહિત ૬ શખ્સોની ધરપકડ કરી છે.
વધુ વિગત મુજબ ઝાલાવાડ પંથકમાં હોટલો પર ટેન્કર પરથી ગેરકાયદે પેટ્રોલ-ડીઝલ ચોરીના કૌભાંડો થતા હોવાની જીલ્લા પોલીસ વડા ગીરીશ પંડયાને ઘ્યાને આવતા કોઈ દુઘર્ટના સર્જાય તેમજ ગેરકાયદે પેટ્રોલ-ડીઝલના વેપલા સામે કડક હાથે કામગીરી કરવા આપેલી સુચનાને પગલે એસઓજીના પી.આઈ. બી.એચ.સીંગરખીયા સહિત સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. ત્યારે પાણશીણા નજીક ક્રિષ્ના કાઠીયાવાડી હોટલના સંચાલક દ્વારા ટેન્કરોમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરી કરી ગેરકાયદે વેંચાણ થતુ હોવાનુ મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડયો હતો.
દરોડા દરમ્યાન રૂા.૪૪.૬૩ લાખની કિંમતના ૪૯ હજાર લીટર ડીઝલ અને ૨.૬૫ લાખની કિંમતનો ૨૮૦૦ લીટર પેટ્રોલના જથ્થા સાથે સાયલાના ભાડુકા ગામનો હોટલ સંચાલક રવિરાજ ચૌહાણ, રાજકોટના ભાર્ગવ પ્રભાત ડાંગર, ઈન્દ્રજીત રાયધન વિરડા, માવજી કાના ડાંગર, યુપી.નો અજય શ્રીરામકુમાર યાદવ અને અભિષેક રામ નયન યાદવ, ધરપકડ કરી બે ટેન્કર અને જ્વલંનશીલ પદાર્થ મળી રૂા.૮૭.૫૪ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.