Gujarat,તા.૨૩
ગુજરાતમાં શિયાળાએ તેના અસલી રંગ દેખાડવાનું શરૂ કરી દીધું છે. રાજ્યમાં કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં લઘુત્તમ તાપમાન ૧૨ ડિગ્રીએ પહોંચી જતાં રાજ્યમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં ઠંડી વધુ રહેશે.
ગુજરાતમાં ઠંડીની તીવ્રતા વધી છે. ત્યારે રાજ્યમાં લઘુત્તમ તાપમાન ૧૨.૨ ડિગ્રીથી ૨૧.૭ ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. જેમાં નલિયા ૧૨.૨ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં લઘુત્તમ તાપમાન ૨૧.૭ ડિગ્રી નોંધાયું હતું.
ગુજરાતમાં ઠંડીની મોસમ શરૂ થઈ ગઈ હોય તેમ રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન ૧૭ ડિગ્રીએ પહોંચી ગયું છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો દિવસેને દિવસે તાપમાન ઘટી રહ્યું છે. અમદાવાદમાં છેલ્લા ૩ દિવસમાં તાપમાનમાં ૩ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.
શહેરમાં લઘુત્તમ તાપમાન ૧૬.૬ ડિગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા ઘટાડાને કારણે શહેરમાં સવારે અને મોડી સાંજે ઠંડીનો ચમકારો રહેવાની શક્યતા છે. આ ઉપરાંત દિવસ દરમિયાન પણ ઠંડકનો અનુભવ થાય છે.