Rajkot,તા.25
રાજકોટમાં સામા કાંઠે ભગવતીપરા વિસ્તારમાં કલેક્શન એજન્ટને લૂંટી લેવાના કેસમાં કોર્ટે ફટકારેલ સાત વર્ષની જેલસજાના હુકમ સામે આરોપીની અપીલ સેશન્સ કોર્ટે મંજૂર કરી આરોપીને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં જયપ્રકાશનગર શેરી નંબર-૧૩ પાસે ઈમરાન ઉર્ફે ઈમલો ઉર્ફે કાળીયો હાસમમીયા રજાકમીયા કાદરીએ પોતાનું બાઇક બચત કલેક્શન એજન્ટ ફરીયાદીના એકટીવાની આગળ ઉભું રાખી રોકી ફરીયાદીના ગળા ભાગે છરી રાખી બળજબરીથી કલેકશનનો થેલો ઝુંટવી લૂંટ કરવાના ગુન્હાનો ફર્સ્ટ ક્લાસ જયુડિશિયલ કોર્ટમાં કેસ ચાલી જતા આરોપી ઈમરાન ઉર્ફે ઈમલો ઉર્ફે કાળીયો હાસમમીયા રજાકમીયા કાદરીને તકસીરવાર ઠેરવી સાત વર્ષની સાદી કેદની સજા ફરમાવતો હુકમ થયો હતો, સદર હુકમથી નારાજ થઈ આરોપીએ સેશન્સ કોર્ટ રાજકોટમાં અપીલ દાખલ કરી હતી, તે અપીલ ચાલી જતા અપીલમાં મુળ આરોપી પક્ષે થયેલ દલીલો તથા આરોપી વતી દલીલ દરમ્યાન રજુ થયેલ સુપ્રીમ કોર્ટના જજમેન્ટો ગ્રાહ્ય રાખી અને ફરીયાદ પક્ષે થયેલી આરોપીની ઓળખ શંકારહિત પુરવાર થયેલ ન હોવાનું માની, ફરિયાદ પક્ષના કેસને સમર્થન મળતું ન હોવાનું ઠરાવી રાજકોટ એડિશનલ સેશન્સ જજ એમ.એચ. પઠાણે આરોપી ઈમરાન ઉર્ફે ઈમલો ઉર્ફે કાળીયો હાસમમીયા રજાકમીયા કાદરીને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં આરોપી વતી એડવોકેટ રાહુલ કે. શાહ, રૂષીત ડી. પટેલ, જયદેવ જે. શીશાંગીયા તથા હાર્દિક જી. ડોડીયા રોકાયા હતાં.