Chandigarh ,તા.26
ચંદીગઢના સેકટર 26 માં કલબ નજીક આજે સવારે બે પ્રચંડ વિસ્ફોટ થતા ખળભળાટ સર્જાયો હતો સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો.પોલીસ સહીતની સુરક્ષા એજન્સીઓ બચાવ સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.
આ બનાવની પ્રાથમીક વિગતો પ્રમાણે ડેપોરા કલબ પાસે બાઈક પર બે શખ્સો આવ્યા હતા અને વિસ્ફોટ સર્જીને ફરાર થઈ ગયા હતા. ધડાકો એટલો જોરદાર હતો કે કલબનાં બારી દરવાજાનાં કાચ તૂટી ગયા હતા.
આ વિસ્ફોટ બોંબ ફેંકીને કરાયો હતો અન્ય કોઈ વિસ્ફોટક પદાર્થથી ધડાકો કરાયો હતો તે હજુ સ્પષ્ટ નથી. ફોરેન્સીક ટીમોને પણ દોડાવવામાં આવી છે અને ઝીણવટભરી તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.
વિસ્ફોટની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સહીતનો સુરક્ષા કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો.
આ પૂર્વે 11 સપ્ટેમ્બરે પણ ચંદીગઢમાં હેન્ડ ગ્રેનેડથી વિસ્ફોટ કરાયો હતો તે અત્રે ઉલ્લેખનીય છે.