Rajkot તા.27
રાજકોટમાં વૈશ્વિક રામકથા “માનસ સદભાવના” શરૂ થઈ ચૂકી છે જે 1 ડિસેમ્બર સુધી ચાલશે. પૂ. મોરારિ બાપુ રામાયણરૂપી જ્ઞાનગંગાનું રસપાન કરાવી રહ્યા છે. રાજકોટના આંગણે યોજાઈ રહેલ રામકથામાં દેશ—વિદેશથી બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી ભાવિકો ઉમટી પડ્યા છે ત્યારે વૈશ્વિક રામકથા આપણા જીવનમાં આધ્યાત્મિકતા, માનવતા, પ્રેમ, સંવેદના, કરૂણાના મૂલ્યોને સમજાવવાનું શ્રેષ્ઠ માધ્યમ બની રહી છે. પૂ.મોરારિબાપુ તેમના કથનમાં જીવનનાં મહત્વના સિધ્ધાંતો પ્રેમ અને સહિષ્ણુતા, ધર્મ, કર્તવ્ય, શાંતિની સમજણ રાજકોટ વાસીઓ તેમજ દેશ વિદેશથી આવેલા મહેમાનોને આપી રહ્યા છે. કથા સમાજમાં શ્રધ્ધા અને વિશ્વાસની ભાવનાને ઉજાગર કરે છે ત્યારે 28 નવેમ્બરે વૈશ્વિક રામકથા “માનસ સદભાવના”માં વૈશ્વિક ભાગવત કથાકાર પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા હાજરી આપવાના છે. પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા વિશ્વનાં જાણીતા ભાગવત કથાકાર છે. તેમનો જન્મ ૩૧ ઓગસ્ટ, ૧૯૫૭ નાં રોજ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનાં દેવકા ગામે હતો. એમણે અંગ્રેજી માધ્યમમાં વિનયન શાખામાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. આથી એમની કથાઓમાં શ્રોતાઓને ભાગવતની સાથે સાથે અંગ્રેજી સંવાદો તેમજ ગહન તત્વજ્ઞાનનો લ્હાવો પણ અસ્ખલીતપણે પહાડી અવાજમાં માણવા મળે છે. તેમણે ૧૮ વર્ષની ઉંમરે સેન્ટ્રલ મુંબઈમાં કથા યોજી હતી. પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ને “ભાગવત આચાર્ય”,”ભાગવત રત્ન”,”ભાગવત ભૂષણ” સહિત વિવિધ પુરસ્કરથી સમ્માનિત કરવામાં આવ્યાં છે. દેવકાની ધરતી ઉપર પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ઉછરીને મોટા થયા છે. પોતાની જન્મભુમિનું ઋણ ચૂકવવા તેમણૅ ૪૦ વિઘા જમીન ઉપર દાતાઓના સહયોગથી દેવકા વિધ્યાપીઠનું નિર્માણ કર્યું હતું. પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા બાળપણમાં મિત્રો સાથે રમતા ત્યારે પણ કથા-કથા ની જ રમત રમતા હતા. અંગ્રેજી માધ્યમની કોમર્સ કોલેજમાં ભણાતા પૂ. ભાઈશ્રી રમેશભાઈ એક તબક્કે ચાર્ટર્ડ એકાઉટન્ટ થવાનું વિચારતા હતા, પરંતુ હ્રદયથી એમનું મન કથાકાર બનવા ઝંખતું હતું. ઇ.સ.૧૯૮૭ માં માત્ર ૩૦ વર્ષની ઊંમરે ભાગવત કથા પરાયણ માટે એમને લંડનથી આમંત્રણ મળ્યું હતું. એ એમની પરદેશ ભૂમિની પહેલી કથા હતી. એ કથા નિમિત્તે મળેલી ૨.૫ કરોડની માતબર રકમ પ્રાપ્ત થઇ હતી. આ રકમ એમણે ગુજરાતમાં આંખની હોસ્પિટલોને દાનમાં આપી દીધી હતી. આવી કરુણા દૃષ્ટિને કારણે એમને માટેનો આદર સમાજમાં ઘણો વધી ગયો. ભાઈશ્રીની કથાકાર તરીકેની પુરસ્ક્રૃતિ પણ થઇ છે. “સત્ સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ” દ્વારા તેઓ ધર્મિક સાહિત્યનું પ્રકાશ કરે છે. એમના આ ટ્રસ્ટ દ્વારા સંન્યાસી, વિદ્વાન વ્યક્તિઓને એવોર્ડ આપવામાં આવે છે. ભારતીય સંસ્ક્રૃતિ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા તેમણે “સાંન્દિપની વિધાનિકેતન” ની સ્થાપના કરી હતી. ઇશ્વરકૃપાએ એમને મધુરકંઠનું વરદાન મળ્યું છે. પૂ. ભાઈશ્રી “તત્વદર્શન” નામનું સામાયિક પ્રસિધ્ધ કરે છે. પૂ. ભાઈશ્રી આજે રામકથાના અને ભાગવતના વિશ્વનાં પ્રસિધ્ધ કથાકાર છે. તેમની વાણીમાં સૌને પ્રભાવિત કરે તેવા સહજતા અને સમભાવ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા નિરાધાર, નિઃસંતાન,પથારીવશ,બીમાર વડીલ માવતરના લાભાર્થે ખૂબ આનંદ અને ભક્તિભાવ સાથે પ્રખર રામાયણી પૂ.મોરારિબાપુ દ્વારા, વૃક્ષો અને વડીલોનાં લાભાર્થે વૈશ્વિક રામકથા “માનસ સદભાવના” શરુ થઇ ચુકી છે. આ કથા 1 ડીસેમ્બર સુધી ચાલશે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા 30 એકર જગ્યામાં , 5000 નિરાધાર વડીલોને આજીવન સમાવી શકાય તેવું 1400 રૂમ યુક્ત નવું પરિસર 300 કરોડનાં માતબર ખર્ચે બની રહ્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમનાં વડીલો અને તેની વૃક્ષારોપણની પ્રવૃત્તિનાં લાભાર્થે આ વૈશ્વિક રામકથા યોજાઈ છે. રામકથા દરમિયાન વડિલોનું માન, પર્યાવરણ જતન અને જીવનમાં વૃક્ષોના મહત્વ અંગેની પણ વાત કરવામાં આવી રહી છે. આ કથા દરમિયાન જે પણ અનુદાન એકત્રિત થશે તે સદભાવના વૃધ્ધાશ્રમની સેવા—સુશ્રુસા, નવા અદ્યતન પરિસરના નિર્માણ અને સમગ્ર ભારતમાં 151 કરોડ વૃક્ષો વાવીને તેનો 4 વર્ષ સુધી ઉછેર કરવાની પ્રવૃતિના વિકાસ માટે, સમગ્ર ભારતને ગ્રીન કરવા માટે વાપરવામાં આવશે.