Rajkot,તા.27
પાટીદાર સમાજની બે સંસ્થા ખોડલધામ-સરદારધામ વચ્ચે વિવાદ ચાલતો હોવાની કેટલાંક વખતથી ચાલતી ચર્ચા વચ્ચે સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર હુમલા-હત્યાની કોશિશના બનાવથી સમગ્ર પાટીદાર સમાજમાં ખળભળાટ સર્જાયો છે. આ ઘટના પાછળ પાટીદાર સંસ્થાઓનો કથિત વિવાદ જ જવાબદાર છે કે બીજુ કાંઈ તે વિશે અટકળો વ્યક્ત થવા લાગી છે.
ખોડલધામ તથા સરદારધામ એમ બન્ને સંગઠનોએ પાટીદાર સંસ્થાઓ વચ્ચે આંતરિક વિવાદની વાત નકારી છે ત્યારે સમગ્ર ઘટનાક્રમના કારણ વિશે અનેકવિધ ચર્ચા થવા લાગી છે.
લેઉવા પાટીદાર સમાજના ધર્મસ્થાનક બની ચુકેલા ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક સ્થાન ઉપરાંત શ્રેણીબદ્ધ સામાજીક પ્રોજેકટો પણ હાથ ધરવામાં આવી જ રહ્યા છે. કૃષિ-શિક્ષણ-આરોગ્ય સહિતના કરોડો રૂપિયાના ખર્ચવાળા પ્રોજેકટો માટે સમાજના આગેવાનો-લોકો દ્વારા ભરચકક ફંડ પણ મળતુ રહ્યું હતું.
થોડા વખત પુર્વે સરદારધામની પણ એન્ટ્રી થઈ હતી અને તેના દ્વારા પણ સમાજલક્ષી મોટા પ્રોજેકટો નકકી કરવામાં આવ્યા હતા. એમ કહેવાય છે કે બન્ને સંગઠનોમાં ટ્રસ્ટી બનવા માટે 25-50 લાખ રૂપિયાનુ દાન આપવુ પડતુ હોય છે. આંતરિક સ્પર્ધા ઉભી થવાનું પણ સ્પષ્ટ બને છે. આ મામલે ભૂતકાળમાં સમાજમાં જ ચર્ચા ઉઠી જ હતી.
એકબીજાના કાર્યક્રમો વખતે પણ આગેવાનો પર દબાણની વાત વ્હેતી થઈ હતી. એકબીજા સંગઠનોના આગેવાનો વચ્ચે પણ સંસ્થા સંબંધી ખટરાગની ચર્ચા હતી એટલે જુના વિવાદમાં વાત વણસી હોય તેવી પણ ચર્ચા છે. સરદારધામનો બિઝનેશ એકસ્પો વખતે આગેવાનોમાં ટસલની ચર્ચા હતી.
સંગઠનો વચ્ચે ફંડીંગ મામલે વિવાદ હોઈ શકે કે કેમ તે વિશે સરદારધામના આગેવાને છેદ ઉડાડતા કહ્યું કે માત્ર ખોડલધામ કે સરદારધામ જ નહીં, જુદી-જુદી ડઝનથી વધુ સંસ્થાઓના કરોડો રૂપિયાના ખર્ચવાળા પ્રોજેકટ ચાલી રહ્યા છે એટલે આ વાતમાં કાંઈ દમ નથી. આ આગેવાને એમ કહ્યું કે કાંઈ એકાદ-બે વ્યક્તિ માટે આખા સમાજ કે તેના કોઈ ચોકકસ સંગઠન સામે આંગળી ચિંધી ન શકાય.
સરદારધામના ઉપપ્રમુખ જયંતિભાઈ સરધારા પર હુમલો ખોડલધામ પ્રમુખ નરેશ પટેલના ઈશારે થયો હોવાના આરોપ વચ્ચે ખોડલધામના મુખ્ય ટ્રસ્ટીઓની તાકીદની બેઠક બોલાવવામાં આવી છે તેમાં સમગ્ર ઘટનાક્રમ વિશે કેવો વ્યુહ અપનાવવો છે તે વિશે રણનીતિ ઘડવામાં આવશે.
ખોડલધામના એક સીનીયર ટ્રસ્ટીએ નામ નહીં દેવાની શરતે કહ્યું હતું કે હુમલાની સમગ્ર ઘટના સાથે સસ્થાને કોઈ લેવાદેવા નથી. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ વિદેશ પ્રવાસે છે. સમાજના આગેવાન સામેલ હોય તેવી ઘટનામાં સીધી સંસ્થાની સંડોવણીની વાત યોગ્ય નથી.
ખોડલધામ કે તેના કોઈ આગેવાનો વિવાદમાં પડતા નથી કે કયારેય વિવાદ થાય તેવુ કાર્ય કરતા નથી. સંસ્થા સમાજની છે. સમાજના વિકાસ-ઉત્થાન માટે કાર્યો કરે છે. શિક્ષણ-આરોગ્ય-કૃષિ જેવા અનેક પ્રોજેકટ હાથ પર લેવામાં આવ્યા છે. સમાજને કાર્યોથી સંતોષ છે જ. સમાજ સેવામાં વિવાદ ન હોય તે સ્પષ્ટ છે.
સંસ્થાના સીનીયર ટ્રસ્ટીએ કહ્યું કે સંસ્થા કે તેના ચેરમેન-હોદેદાર સામે આંગળી ચિંધાય કે નામ ખરાબ થાય તે યોગ્ય નથી.
પાટીદાર સંસ્થા સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર હુમલો અને તે માટે ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ સામે આંગળી ચિંધાતા ખળભળાટ સર્જાયો જ છે ત્યારે સરદારધામના મંત્રી ટી.જી. ઝાલાવડિયાએ કહ્યું કે ખોડલધામ કે સરદારધામ વચ્ચે કોઇ વિવાદ નથી છતાં જયંતિ સરધારા પર હુમલો કરનારા પોલીસ ઇન્સ્પેક્ટર સંજય પાદરીયા સામે કડક કાર્યવાહી કરવાની સંસ્થાની માંગ છે. યોગ્ય કાર્યવાહી નહીં થાય તો સંસ્થા દ્વારા લેખિત રજુઆત-આવેદન પણ અપાશે.
‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં સરદારધામના માનદ્મંત્રી ટી.જી. ઝાલાવડિયાએ સ્પષ્ટ કર્યું કે બન્ને પાટીદાર સંસ્થાઓ કોઇ વચ્ચે વિવાદ નથી. સરદારધામ સમાજના 10,000 વિદ્યાર્થીઓને માટે હોસ્ટેલ બનાવવા, સમાજના 10000 યુવાનોને વહીવટી સેવામાં નોકરી અપાવવા, 10,000 વેપાર-વ્યવસાયિક ઉભા કરવા, ગ્લોબલ સમીટ તથા યુવા સંગઠન થકી સમાજ જોડો જેવા પાંચ લક્ષ્ય પર કામ કરી રહ્યું છે. બાકી કોઇ અન્ય સંસ્થા સાથે વિવાદ નથી.
જયંતિભાઇ સરધારાને લાગે વળગે છે ત્યાં સુધી તેઓ બન્ને સંસ્થામાં ટ્રસ્ટી છે. સમાજના મુદ્ે બન્ને વચ્ચે બોલાચાલી બાદ હુમલો થયો હોઇ શકે છે. સંસ્થાગત લેવલે બન્ને સંગઠનોમાં કોઇ વિવાદ નથી છતાં પીઆઇ સંજય પાદરીયાએ અમારા સંગઠનના ઉપપ્રમુખ પર હુમલો કર્યો તે નિંદનીય છે. પીઆઇ સામે કડક પગલા લેવા સંગઠનની માંગ છે. આકરા પગલા નહીં લેવાય તો લેખિત રજુઆત-આવેદનના કાર્યક્રમ અપાશે.
સરદારધામના સ્થાનિક અગ્રણી શૈલેષ સગપરીયાએ પણ કહ્યું કે હજુ જયંતિભાઇ સરધારાને મળ્યા નથી. ખોડલધામ-
રાજકોટના કણકોટ મવડી રોડ પર આવેલ શ્યામવાડી પાર્ટી પ્લોટમાં સરદારધામના ઉપપ્રમુખ જયંતી સરધારા પર જુનાગઢના પીઆઈ સંજય પાદરીયાએ પિસ્તોલ જેવા હથીયાર સાથે જીવલેણ હુમલો કર્યાના બનાવના પગલે ચકચાર જાગી છે આ ઘટનાને પગલે ખોડલધામના પ્રવકતા હસમુખ લુણાગરીયાનું પણ એક નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે ખોડલધામ સંસ્થાને આ ઘટનામાં કઈ જ લેવા દેવા નહી હોવાનું જણાવ્યું છે.
સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા મિત્રના પુત્રના લગ્નમાં શ્યામ પાર્ટી પ્લોટમાં હતા ત્યારે ત્યાં ધસી આવેલા પીઆઈ સંજય પાદરીયાએ કહેલ તું ગદાર છો તેમ કહી હુમલો કરતા જયંતિ સરધારાને ઈજા પહોંચાડતા લોહીલુહાણ હાલતમાં દવાખાને ખસેડાયા હતા. સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી આવ્યા હતા.
આ ઘટનાને પગલે ખોડલધામના પ્રવકતા હસમુખ લુણાગરીયાનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે ખોડલધામ સંસ્થાને આ ઘટનામાં કઈ જ લેવા દેવા નથી.
ખોડલધામ અને સરદારધામ વચ્ચે કોઈ જ વિવાદ નથી નરેશભાઈ પટેલ હાલ વિદેશ છે અને તેમણે પણ આ ઘટનામાં દુ:ખ વ્યકત કરેલ છે. નરેશભાઈ પટેલ રાજકોટ આવીને સમાજના અગ્રણીઓ જયંતિ સરધારાને પણ મળશે આ ઘટના બંનેની અંગત બાબતનો ઝઘડો થયો છે. ખોડલધામ સંસ્થાને કઈ લેવા દેવા નથી. નરેશભાઈ પટેલ દુ:ખમાં સહભાગી બને તેવા છે આવી બાબત માં તેમનું નામ લેવું વ્યાજબી પણ નથી તેમ અંતમાં હસમુખ લુણાગરીયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
જયંતીભાઈ સરધારાની હત્યા કરવાનો પ્રયાસ થયો. જે અંગે પીઆઇ સંજય પાદરીયા સામે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે. ત્યારે જ સરદારધામના ટ્રસ્ટી અને મહિલા સમિતિના પ્રમુખનો સનસની મચાવતો આરોપ સામે આવ્યો છે. સરધારાએ આક્ષેપ કર્યો છે કે, તેની હત્યા કરવા જે પ્રયાસ થયો છે તે નરેશભાઈ પટેલના ઈશારે થયો છે.
જેના પર શર્મિલાબેને જણાવ્યું કે, સંજય પાદરીયા નરેશભાઈ પટેલ કહે એટલું જ પાણી પીવે છે.ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સાંજે પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતીભાઈ સરધારા ઉપર ખોડલધામના સમર્થક જુનાગઢ ચૌકી સોરઠ ટ્રેનિંગ સેન્ટરના પીઆઇ સંજય પાદરીયા તું સમાજનો ગદ્દાર છો તેવું કહી પિસ્તોલના કુંદા મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટના બાદ પીઆઇ પાદરીયા સામે હત્યાના પ્રયાસ અંગે ગુનો નોંધાયો છે. મવડી કણકોટ રોડ ઉપર એક લગ્ન પ્રસંગમાં ગયેલા સરધારા સાથે બનેલા આ બનાવ બાદ ઈજાગ્રસ્ત સરધારાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા ત્યારે મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો હોસ્પિટલે દોડી ગયા હતા. આ બનાવથી સરદારધામ વિરુદ્ધ ખોડલધામનો વિવાદ ખુલીને સામે આવ્યો છે ત્યારે ખોડલધામના હાલના મહિલા ટ્રસ્ટી શર્મિલાબેન બાંભણીયાએ જણાવ્યું કે, નરેશભાઈના સાગરીતો તાબે ન થનાર સામાજિક આગેવાનો સાથે આવા કૃત્યો કરે છે.
સંજય પાદરીયા નરેશભાઈ કહે તેટલું જ પાણી પીવે છે. ખોડલધામ વિધાર્થી સમિતિમાં સંજય કાર્યરત છે તે એક પ્રકારે વિદ્યાર્થીઓને હાથા બનાવી, વિદ્યાર્થીઓને ઉશ્કેરી આખી વિદ્યાર્થી ગેંગ ચલાવે છે. જયારે પરેશભાઈ ખોડલધામના પ્રમુખ હતા ત્યારે સરદાર ભવન ખાતે પરેશભાઈને નીચા દેખાડવા હાયહાયના નારા લગાવ્યા હતા. આ કૃત્ય સંજય પાદરીયાએ તેની ટોળકી પાસે કરાવ્યું હતું. ત્યારબાદ સરદાર ભવનના મોભી પીઢ સમાજ સેવક વલ્લભભાઈ સતાણીએ પણ આ ટોળકીથી કંટાળી રાજીનામુ આપ્યું હતું. શર્મિલાબેને કહ્યું કે, જયંતિભાઈ ઉપર જે હુમલો થયો આ બનાવ દુ:ખદ છે. અમે સમાજ સેવા કરતા લોકો છીએ. આવી ઘટનાને કોઈ સ્થાન નથી.
નિંદનીય ઘટના છે. સંજય પાદરીયા જેવા લોકો સમાજ સેવકોને નિશાન બનાવી આવા કૃત્યો કરે તો સમાજમાં સારુ સ્થાન ધરાવતા લોકો સમાજ સેવા કરવાનું છોડીને દયે. આ લોકો પણ એવું ઈચ્છે કે તેને તાબે ન થાય તેવા લોકો પર આ રીતે કૃત્ય કરવા. જયંતિભાઈ સરધારા પર થયેલ હુમલા અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ધ્યાન દઈ સંજય પાદરીયા પીઆઇ છે તો તેને તત્કાલ સસ્પેન્ડ કરવા જોઈએ.