Rajkot,તા.28
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગોઝારા માર્ગ અકસ્માતોનો સિલસિલો અટકતો ન હોય તેમ આજે રાજકોટથી સુરત જતી ખાનગી બસને અકસ્માત નડતા ત્રણ લોકોનાં મોત થયા હતા અને અન્ય કેટલાંક ઘાયલ થયા હતા. દુર્ઘટનાને પગલે હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠયો હતો.
આ ભીષણ અકસ્માતની પ્રાપ્ત પ્રાથમીક વિગતો પ્રમાણે રાજકોટથી સુરત જતી ટ્રાવેર્લ્સની બસને વહેલી સવારે ટ્રક સાથે ટકકર થઈ હતી. અને ઘટનાસ્થળે જ ત્રણ લોકોનાં મોત નીપજયા હતા.
આ બનાવની જાણ થતાં જ પોલીસ સહીત બચાવ કાફલો ઘસી આવ્યો હતો. ઈજાગ્રસ્તોને બહાર કાઢીને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઓવરટેક કરવાના પ્રયાસમાં આ અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે.
વાહનોની ભયાનક ટકકરને પગલે આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા અને થોડો વખત હાઈવે પર ટ્રાફીક જામ સર્જાયો હતો, જે પોલીસે પછી કલીયર કરાવ્યો હતો.
રાજયમાં છેલ્લા ત્રણેક દિવસોથી પ્રાણઘાતક અકસ્માતોનાં બનાવો બની રહ્યા છે. મંગળવારે ચોટીલા નજીક અકસ્માતમાં ચાર મહિલાઓના મોત નિપજયા હતા. ગઈકાલે સુરત પાસે બસ ખાડામાં ખાબકી હતી જેમાં એકનું મોત થયુ હતુ. 40 જેટલા લોકોનો ચમત્કારીક બચાવ થયો હતો.
રાજયમાં માર્ગ અકસ્માતો રોકવા માટે તંત્ર દ્વારા અનેકવિધ પ્રયાસો છતાં તેમાં ઘટાડો થતો નથી. રાજકોટ-સુરત બસ અને ટ્રક વચ્ચેનો આજનો અકસ્માત તારાપુર ધર્મક હાઈવે પર વડકલા પાટીયા પાસે સર્જાયો હતો.