Rajkot તા.28
પડધરીના ખોખરીગામમાં રહી ખેત મજૂરી કરતો પરપ્રાંતિય યુવક ગત 25 મીએ પડધરી ખરીદી કરી પરત વાડીએ જતો હોય ત્યારે ખોખરીગામ નજીક બાઈક સ્લીપ થઈ જતાં ગંભીર રીતે ઘવાયેલ યુવકે સારવારમાં દમ તોડી દિધો હતો.
બનાવની વિગત મુજબ ફરિયાદી ગોરધન નાનબુભાઈ પરમાર (ઉ.વ.25, રહે. મુળ મધ્ય પ્રદેશ અને હાલ રહે. ખોખરીગામ પુરણસિંહ બહાદુરસિંહ જાડેજાની વાડીએ તા. પડધરી) એ ફરિયાદમાં જણાવ્યુ હતું કે પોતે ખેત મજુરી કરે છે.
ગત તા.25/11/2024ના રોજ સવારે હું તથા મારો નાનો ભાઈ સુમલા નાનબુભાઇ પરમાર એમ બન્ને બાઈક લઇને પડધરી ખરીદી કરવા ગયેલ અને ત્યાંથી ખરીદી કરી પરત વાડીએ ખોખરી ગામે જતા હોય ત્યારે સાતેક વાગ્યે ખોખરી ગામ પહેલા ખેંગારકા રોડ પર પહોંચતા બાઈક સ્લીપ થઈ જતાં બંને ભાઈ ફંગોળાયા હતા.
અને તાકિદે 108 મારફત પડધરી સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવારમાં સુમલાએ દમ તોડી દિધો હતો. બનાવ અંગે પડધરી પોલીસે ગુનો નોંધી કાર્યવાહિ કરી હતી.