Rajkot,તા.૨૮
શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં સુમધુર શૈલીમાં ભાવિકોને રસતરબોળ કરતા મહેશભાઇ જોશી દ્વારા અગાઉ ભીંગરાડ (લાઠી)માં આખુ વર્ષ કથાનું આયોજન કરી રેકોર્ડ સર્જયો હતો
ભાગવત કથા દરમિયાન કપિલજન્મ, રામજન્મ, રૂક્ષ્મણી વિવાહ, કૃષ્ણ જન્મોત્સવમાં બહેનો સહિત અનેક લોકો ઉમટી પડે છે
ગુજરાત સહિત સમગ્ર દેશમાં જાણીતા કથાકાર તરીકે જેમનું નામ છે તેવા લાઠી પાસેના ભીંગરાડના ભાગવત ભકત મહેશભાઇ શિવશંકરભાઇ જોશી તેમની સુમધુર શૈલીમાં રાજકોટ શહેરનાં આંગણે 461મી કથાનું દરરોજ શ્રોતાઓને રસપાન કરાવે છે.
તા. 25 નવેમ્બરથી શરૂ થયેલી ભાગવત કથા પેડક રોડ ખાતે આવેલી આર્યનગરની વાડીમાં દરરોજ સવારે 9થી 12 અને સાંજે 3થી 6 સુધી શ્રોતાઓને કથાના રસપાન દ્વારા ભાગવત ભકત મહેશભાઇ શિવશંકરભાઇ જોશી મંત્રમૂગ્ધ કરી રહ્યા છે અને વિશાળ સંખ્યામાં બહેનો તેમજ ભાઇઓ લાભ લઇ રહ્યા છે.
થોડા વર્ષો પૂર્વે ભાગવત ભકત મહેશભાઇ શિવશંકરભાઇ જોશીએ કથાનો રેકોર્ડ તેમના ગામ ભીંગરાડમાં કર્યો હતો. આખુ વર્ષ કથા કરી અને ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી ભાવિકો કથા સાંભળવા સમયાંતરે આવતા હતા. કથામાં તેમની સાથે કિરીટકુમાર જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા. પિતૃ મોક્ષાર્થે રાજકોટમાં તા.1-12-24 સુધી કથાનું રસપાન કરાવશે. કથાના આયોજકોમાં ઘેલાભાઇ મેઘજીભાઇ રામાણી, સવિતાબેન ઘેલાભાઇ રામાણી, લાલજીભાઇ, ગોપાલભાઇ, જાનવીબેન, સુમીતાબેન ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આર્યનગર વિસ્તારમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં લોકો દરરોજ કથાનું રસપાન કરે છે. આર્યનગર શેરી નં-20નો કોર્નર, પેડક રોડ, રાજકોટમાં ઉપરોકત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. શાસ્ત્રીજી સાથે તેમના મોટા ભાઈ બળવંતભાઈ જોષી ભાગવતના પાઠમાં હોય છે તેમજ મુખ્ય ગાયક તેમજ પ્રાત: પુજામાં નાનાભાઈ કિરીટભાઈ જોષી તેમજ શાસ્ત્રીજીના સુપુત્ર હેતભાઈ પણ હોય છે.
દરરોજ જુદા-જુદા જન્મોત્સવ દ્વારા ભાવિકો ઉત્સવમય બની જાય છે
ભાગવત કથા દરમિયાન દરરોજ જુદા-જુદા ધાર્મિક ઉત્સવો પણ યોજાય છે. જેમાં કપિલ જન્મ, વામન જન્મ, રામ જન્મ, કૃષ્ણ જન્મોત્સવ તેમજ નંદ મહોત્સવ, ગોવર્ધન ઉત્સવ, રૂક્ષ્મણી વિવાહ વિગેરેમાં ભાવિકો ઉત્સાહભેર કથાની સાથોસાથ ઉત્સવમય બની જાય છે. તા. 1-12-2024ના રોજ કથાની પૂર્ણાહુતિ છે ત્યારે વકતા ભાગવત ભકત મહેશભાઇ શિવશંકરભાઇ જોશી (ભીંગરાડવાળા) રાજકોટના આંગણે કથાનું શ્રોતાઓને રસપાન કરાવી તરબોળ કરી દે છે ત્યારે તેમની આ કથા કે રામાણી પરિવાર આયોજિત છે તેનો અચુક લાભ શહેરીજનો લે તેવી રામાણી પરિવાર અપીલ કરે છે.