Rajkot,તા.૨૮
શહેરમાં સતત છેતરપિંડી અને વિશ્વાસઘાતના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક ઠગાઈના બનાવમાં મનપાના કર્મચારી સહીત કુલ 11 લોકોને ડેઇલી બચત, ગોલ્ડ સ્કીમ અને ફાયનાન્સ પેઢીમાં રોકાણ કરી ઊંચુ વળતર મેળવવાની લાલચ આપી રૂ. 2.90 કરોડનું રોકાણ કરાવી પેઢીઓને તાળા મારી ફરાર થઇ જનાર એડવોકેટ પિતા-પુત્રો સહીત કુલ ચાર શખ્સો વિરુદ્ધ યુનિવર્સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે કુવાડવા રોડ પર વૃંદાવન સોસાયટી શેરી નં.3 માં રહેતાં ગુણવતભાઇ મોહનભાઇ લુણાગરીયા એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પ્રવિણ મગનલાલ મગદાણી, દર્શીત પ્રવિણ મગદાણી, ભાવિન પ્રવિણ મગદાણી , રાકેશ કાંતિલાલ વાયાના નામ આપતાં યુનિવર્સીટી પોલીસે છેતરપીંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
છેતરપિંડી અંગે ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ રાજકોટ મહાનગરપાલિકામાં નોકરી કરે છે. વર્ષ 2012 માં તેઓ અમિતભાઈ જેસડીયા જે કોમ્પ્યુટરનુ જોબ વર્કનુ કામ કરતા તેમની ઓફીસે બેસવા જતો અને ત્યા એકવોકેટ પ્રવિણ મગદાણી કોમ્પ્યુટરનુ કામ અર્થે ત્યા આવતા જેથી પરીચય થયેલો અને ત્યારે તેઓએ જણાવેલ કે, અમો શ્રી લક્ષ્મીનયના કો.ઓ. ક્રેડીટ સોસાયટી લી. નામની મંડળી ચલાવે છે. તમે ડેઇલી બચત કરો તો સારૂ રોકાણ થશે અને વળતર મળશે અને તમારે જોઈએ ત્યારે લોન મળી શકશે તેમ વાત કરેલ હતી. તેમણે ડેઇલી બચત રૂ.500 થી શરૂઆત કરેલ જે કુલ મળી રૂ.99 હજારનું રોકાણ કરેલ હતુ.
બાદમાં વર્ષ 2014 મા મંડળીના ચેરમેન પ્રવિણ મગદાણીના પુત્ર ભાવીન મગદાણીએ રામા જ્વેલર્સ નામે ગોલ્ડ સ્કીમ ચાલુ કરેલ હતી. જેમા રામા જવેલર્સના ડાયરેક્ટર ભાવીન મગદાણી, દર્શિત મગદાણી તથા રાકેશ વાયા હતા.જેમા સ્કિમ પ્રમાણે સોનુ ખરીદવાનુ હોય જેમા ડ્રો ક્રમ નંબર લાગે એટલા હપ્તા ભરવાના અને 40 મહીના બાદ ડબલ સોનુ મળવાની સ્કિમ ચાલુ કરેલ જેમા તેઓએ 2 ગ્રામ સોનુ લઇ બચત ચાલુ કરેલ હતી. જેમા હપ્તા ભરવા છતા રોકાણકારોને કોઇપણ પ્રકારનુ સોનુ મળેલ નથી. જે બાદ મંડળીની ઓફીસની જગ્યા શીવાલીક-8, ઓફીસ નં.208 ચંદનપાર્ક મેઇન રોડ, ગોપાલ ચોક, પેરેડાઇઝ હોલ સામે બદલાવેલ હતી. તેઓએ દૈનિક બચત યોજના જેના નં. 1059 તા.01/10/2016 થી ખોલાવેલ હતુ. પ્રવિણએ જણાવેલ કે, મારા દિકરા દર્શિત મગદાણીને આશુતોષ ફાયનાન્સ નામની પેઢીમાં પૈસાનુ રોકાણ કરો તો એક વર્ષ પછી વ્યાજ સાથે કંપનીના વ્યાજદર સાથે મુળ રકમ પરત મળશે તેમ જણાવેલ હતુ.જેથી આશુતોષ ફાયનાન્સના પ્રોપરાઈટર દર્શિતભાઈ પ્રવિણભાઈ મગદાણીની પેઢીમા રૂ.32 લાખ રોકાણ કરેલ હતુ. તે રકમ રોકાણ કર્યા અંગેની રસીદ માંગતા પ્રવિણએ જણાવેલ કે, ફાયનાન્સની રસીદ 10-15 દિવસમા આવશે ત્યારે રસીદ આપવાનુ જણાવેલ હતુ.જે હજુ સુધી આપેલ નથી.