Rajkot,તા.૨૮
શહેરના યુનિવર્સિટી રોડ પર સામાન્ય અકસ્માત બાદ કારચાલકે એક્ટિવાસવાર યુવક અને તેના મિત્ર સાથે મારકૂટ કરી પીઆઈ પાદરિયા મારો બનેવી છે, થાય તે કરી લેજે કહી ધમાલ મચાવી ફડાકા મારી કાર લઈને નાસી જતા લોકો એકઠા થઈ જતા ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા યુવનિવર્સિટી પોલીસે કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
ઘટનામાં ફરિયાદી અને તેના મિત્ર દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ ભગવતીપરામાં સુખસાગર સોસાયટીમાં રહેતા અને વાલ્મીકિ સમાજના અગ્રણી ચિરાગભાઈ દલસુખભાઈ વાઘેલા તેના એક્ટિવામાં તેના જ સમાજના નિલેશ ઉર્ફે ગોપાલભાઇ ચૌહાણ સાથે જતા હતા ત્યારે યુનિવર્સિટી રોડ પર હ્યુન્ડાઇ વેન્યુ કાર સાથે સામાન્ય અકસ્માત થતા કારચાલક વિશાલ દોંગા નામના શખ્સે નીચે ઉતરી ઝઘડો કર્યો હતો.
જેથી તેને અમે વાલ્મીકિ સમાજના નાના માણસો છીએ અમારી સાથે ઝઘડો ન કરો તેમ કહેતા કારચાલક ઉશ્કેરાયો હતો અને પીઆઈ પાદરિયા મારા બનેવી છે થાય તે કરી લેજો કહી ઢીકાપાટુ તેમજ ફડાકા ઝીંકી દેતા દેકારો થતા લોકો એકઠા થઇ જતા કારચાલક નાસી ગયો હતો. જ્યારે ઘવાયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
બનાવને પગલે યુનિવર્સિટી પોલીસે અકસ્માત અને સામાન્ય મારામારીનો ગુનો નોંધ્યો હતો. જયારે ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે, કારચાલકે જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા હતા. જેથી વાલ્મિકી સમાજના ટોળાંએ યુનિવર્સીટી પોલીસ મથકે ટોળાં સ્વરૂપે દોડી જઈ ફરિયાદમાં એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધવા રજુઆત કરી હતી.