Rajkot, તા.2
દેરડી કુંભાજી ગામે પિતા – પુત્રએ યુવાન પર હુમલો કરી જ્ઞાતિપ્રત્યે હડધુત કર્યાનો આક્ષેપ થતા સુલાતનપુર પોલીસ મથકે સંજય ગોસ્વામી અને તેના પુત્ર વિશ્વમ સામે ગુનો દાખલ થયો છે.ફરિયાદી ધીરૂ દુદાભાઈ ચાવડા (ઉ.વ.35, રહે.દેરડી (કુંભાજી), ઉંધા ટીંબીની ધાર, તા. ગોંડલ)એ ફરિયાદમાં જણાવ્યું કે, હું કડીયા કામ કરી મારા પરીવારનું ગુજરાન ચલાવુ છું.
ગઈકાલે સવારના આશરે સાડા દસ વાગ્યે મારે કામ પર જવું હોય જેથી હું મારા ઘરની બહાર ડેલી પાસે શેરીમાં મારા બાઇકમાં દિવાલમાં પ્લાસ્ટર કરવાની એલ્યુમીનીયમની પટી બાંધીને કામ પર દેરડી ગામમાં જતો હતો. રસ્તામાં ઉંધી ટીંબીથી દેરડી ગામ વચ્ચે અમારા ગામના અને ઉંધી ટીંબીમાં કરીયાણાની દુકાન ચલાવતા સંજય ચંદુ ગૌસ્વામી અને તેનો દિકરો વિશ્વમ બાઈક લઈને મારી પાછળ આવીને, મને રોકી કહ્યું કે, તું અને તારી બા અમારી સાથે કેમ અવાર નવાર બોલાચાલી કરો છો? તારી બાને સમજાવી લેજે. જેથી મેં કહેલ કે તું સવારે આવીને કોઇ ન હોય તો પણ શેરીમાં હોર્ન મારે છે. છેલ્લા એક વર્ષથી તું આવું કરે છે.
આટલું કહેતા જ વિશ્વમ તેના બાઈક પરથી ઉતરી મારી પાસે આવી મારું ગળુ પકડી મને ખેંચી રોડ ઉપર લઈ લીધેલ. સંજયએ દિવાલમાં પ્લાસ્ટર કરવાની એલ્યુમીનીયમની પટ્ટી હતી તે આંચકી મને ત્રણ ઘા મારી લીધેલ.
મેં ખીસ્સામાંથી મોબાઇલ કાઢવા જતા સંજયે મને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા શબ્દો બોલી કહ્યું કે, તારે જેટલાને બોલાવવા હોય તેટલાને બોલાવી લે. ત્યાં માણસો ભેગા થવા લાગતા અને મેં મારા ભાઈ ચંદુને બોલાવવા ફોન કરતા આ બંને બાપ – દિકરો ત્યાંથી ભાગી ગયેલ. મારો ભાઈ, મારાં માતા સહિતના આવી જતા મને 108માં કુંકાવાવ સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા. પોલીસે ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરવા તજવીજ કરી હતી.