Rajkot,તા.02
શહેરમાં ગેરકાયદે ગર્ભપાત, દુષ્કર્મ સહિતના પ્રકરણોના ડો. શ્યામ રાજાણીની યુવતિને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યા અંગેની ફરીયાદમાં ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીનઅરજી સેશન્સ કોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે.
આ અંગેની હકીકત મુજબ, શહેરમાં રહેતી બે સગીર પુત્રીની માતાએ થોડા સમય પહેલા ‘શાદી ડોટ કોમ’ મારફત ડો. શ્યામ હેમંતભાઈ રાજાણી સાથે તા. ૨૨/ ૧૨/ ૨૦૨૩ના રોજ લગ્ન કરેલા. તેમાં યુવતિની બંને દિકરીઓને અપનાવવાની શરતથી માધાપર ચોકડી ખાતે ફલેટ ભાડે રાખી આ યુવતિ તથા બંને સગીર દિકરીઓ સાથે રહેતા હતા, બાદ ઝઘડો, મારકુટ કરી “તારી બંને દિકરીઓને તારા માવતરે મુકી આવ તો જ હું તને સ્વીકારીશ” તેવી ધમકી આપતો હતો, ત્યારબાદ ગત તા. ૦૫/ ૦૩/ ૨૦૨૪ના રોજ રાજકોટ મહીલા પોલીસ સ્ટેશનની પોલીસ તેની સામે દુષ્કર્મની ફરિયાદ સબબ ઉઠાવી ગઈ હતી, તેમાં શ્યામ રાજાણીએ અગાઉ તા. ૨૦/ ૦૧/ ૨૦૨૦ના રોજ મેરેજ કરેલા હતા. તેની સાથે છુટાછેડા પણ થયા ન હોવાની વાત છુપાવીને પોતાની સાથે થયેલ છેતરપિંડી તથા દુષ્કર્મની ફરીયાદ તા. ૧૯/ ૦૪/ ૨૦૨૪ના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આપેલી અને જે ફરીયાદના આધારે આરોપી ડો. શ્યામ રાજાણી તથા તેના પિતા હેમંતભાઈ દામોદરભાઈ રાજાણી તથા તેની માતા ભારતીબેન હેમંતભાઈ રાજાણી તથા તેની બહેન પારૂલબેન હેમંતભાઈ રાજાણીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. ચાર્જશીટ થઈ જતા, ગત તા. ૨૧/ ૧૧/ ૨૦૨૪ના રોજ આરોપી ડો. શ્યામ રાજાણીએ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન ઉપર છુટવા અરજી કરી હતી. જે અરજી અન્વયે સરકારી વકીલ રક્ષિત કલોલાની ધારદાર દલીલ એવી હતી કે “આ કામના આરોપી પોતાની હવસ સંતોષવા માટે ઘણી બધી યુવતિઓ સાથે શારીરીક સબંધો બાંધીને યુવતિઓની જિંદગી બગાડેલ હોય સદરહુ આરોપીને જામીનમુક્ત કરવામાં આવે તો સમાજમાં આવા ઘૃણાસ્પદ કિસ્સાઓ ખુબ જ પ્રમાણમાં બનવા લાગશે. જે દલીલો ધ્યાને લઈ ન સેશન્સ કોર્ટે શ્યામ રાજાણી મની ચાર્જશીટ બાદ ની રેગ્યુલર જામીન ઉપર છુટવાની અરજી નામંજુર કરી છે. આ કામમાં સરકાર પક્ષે સરકારી વકીલ રક્ષિત કલોલા રોકાયા હતા.