Rajkot,તા.04
રાજકોટ નજીક ખંભાલીડા ખાતે ઉત્ખનનથી મળી આવેલી પ્રાચીન બૌધ્ધ ગુફાઓનું મહત્વ ઉજાગર કરવા અહીં પ્રવાસન વિકસાવવાની વાતો થઈ રહી છે અને સરકારે બે તબક્કે રૃા.૧૫ કરોડ જેવી રકમ મંજૂર પણ કરી પરંતુ તેના ભાગરૃપે ગુફા નજીક તંત્રએ બનાવેલાં પાંચ પૈકી ચાર બિલ્ડિંગમાંના ઉતારા માટેના ૧૨ રૃમ નાહક તોડી પાડી પ્રજાના પૈસાનું પાણી કરી દેવાયું છે.
વર્ષ ૨૦૧૧માં રાજયના જે- તે સમયના પ્રવાસન મંત્રી દ્વારા બૌધ્ધગુફા- ખંભાલીડા પાસે ૧૨ ઉતરવાના રૃમ, પ્રાર્થના ખંડ- ધ્યાન ધરવાનો હોલ, પુસ્તકાલય, ભોજનાલય ધરાવતુ વિશાળ સંકુલ, તેર હજાર ચોરસ વાર જગ્યામાં ત્રણ હજાર ચોરસ ફુટના એક એવા પાંચ બિલ્ડિંગ બૌધ્ધ સ્થાપત્યની ડીઝાઇન મુજબ બનાવવાનું મંજુર કરવામાં આવ્યું. તેનું ખાતમુહુર્ત પ્રાચીન સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્ય ધરાવતી બૌધ્ધ ગુફાથી ૩૦૦ મીટર દૂરનાં સ્થળે તત્કાલીન નાણામંત્રીના હસ્તે માર્ચ ર૦૧૧માં થયુ. રાજકોટ જિલ્લા કલેકટર આ પ્રોજેકટને સાકાર કરવા કાર્યરત હતા, પરંતુ પાંચ બિલ્ડિંગનું માળખુ બની ગયા બાદ આગળની કાર્યવાહી થંભી ગઇ. શ્રી જયાબહેન ફાઉન્ડેશન દ્વારા ફરી સતત રજૂઆતો કરવામાં આવતા આઠેક વર્ષ બાદ તત્કાલીન પ્રવાસન મંત્રીએ સ્થળની રૃબરૃ મુલાકાત લીધી અને પ્રોજેકટ પુરો કરવા વધારે પૈસા મંજુર કરી આગળની કામગીરી કરવા પ્રવાસન વિભાગને કાર્ય સોપી હતી. પ્રવાસન વિભાગે બાકી રહેલ કાર્ય આગળ ઘપાવવા કાર્યવાહી શરૃ તો કરી, પણ આશ્ચર્યજનક રીતે કોઇ અકળ કારણોસર બૌધ્ધ ગુફા પાસે બની રહેલા પ્રવાસન સ્થળમાં પ્રવાસીઓને ઉતરવાની સુવિધા માટે બનાવવામાં આવેલ ૧૨ જેટલા રૃમ તોડી પાડવામાં આવ્યા, પરિણામે બની રહેલ પ્રવાસન સ્થળમાં ૩૦૦૦ સ્કેવેર ફુટના પાંચ વિશાળ હોલ માત્ર અસ્તિત્વમાં આવ્યા, બારી બારણા લગાવી કાર્ય પૂરૃં કરવામાં આવ્યું. લગભગ ચાર માસ થયા આ કેમ્પસ તૈયાર છે.
આ મામલે શ્રી જયાબહેન ફાઉન્ડેશનના પરેશ પંડયાએ પ્રશ્ન ઉઠાવ્યા છે કે સરકારે પ્રવાસીઓને સુવિધા આપવા, રહેવા-જમવા- મેડિટેશન માટે રૃપિયા ૧૫ કરોડ જેટલો મોટો ખર્ચ કર્યો, તો શા માટે પ્રવાસન વિભાગે પ્રવાસીઓને મળતી સુવિધા છીનવી લેવાનો નિર્ણય લીધો ? હવે ત્યા શું બનાવવામાં આવશે ? સુવિધા અંગે પ્રવાસન વિભાગને પૂછવામાં આવતા આશ્ચર્યજનક લેખિત જવાબ મળ્યો કે કલેકટર દ્વારા અધુરી રહેલી કામગીરી પ્રવાસન વિભાગે પૂરી કરેલ છે, હવે પ્રવાસન સ્થળ કલેકટરને સોપી દેવામાં આવશે. આ તબક્કે સવાલ ઉઠે છે કે જો પ્રવાસન વિભાગની જવાબદારી કલેકટર દ્વારા કરેલ કાર્ય પુરુ કરવાની જ હોય તો, કલેકટર દ્વારા બનાવવામાં આવેલ ૧૨ રૃમ કેમ પ્રવાસન વિભાગ દ્વારા તોડી પાડવામાં આવ્યા ?