Rajkot,તા.06
રાજકોટમાં એકતરફ આજે બિલ્ડરોએ મહાપાલિકામાં ક્વેરીઓ કાઢીને બિલ્ડીંગ પ્લાન મંજુર નહીં કરાતા હોવાના આક્ષેપો કરીને નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને સરકારને રજૂઆત કરવા, રેલી કાઢવા ચીમકી આપી છે તો બીજીતરફ મહાપાલિકાના ટી.પી.વિભાગના સૂત્રોએ જણાવ્યું કે અગ્નિકાંડ પછીના છ માસમાં જ શહેરમાં ૧૫ મીટરથી વધુ ઉંચાઈના ૪૦ હાઈરાઈઝ બિલ્ડીંગના પ્લાન મંજુર કરી દેવાયા છે. આ અન્વયે પ્રાપ્ત વિગત અનુસાર બિલ્ડરોનને પ્લાન મંજુરી વખતે અમલ કરાવાતા ફ્લાવરબેડના નિયમ સામે ભારે વિરોધ હોવાનું બહાર આવ્યું છે.
અગ્નિકાંડની મહાભયાનક ગુનાહિત ઘટના પછી રાજકોટ મહાપાલિકાના ટી.પી.વિભાગના ટી.પી.ઓ. સહિતના અફ્સરો જેલભેગા થયા છે, મ્યુનિ.કમિશનર પણ બદલાયા અને તેના પગલે ટી.પી.ઓ., બિલ્ડરો, જમીન મકાનના ધંધાર્થી નેતાઓ અને આર્કિટેક્ટ ઈજનેરો વચ્ચે જે ગઠબંધન હતું તે વેરવિખેર થઈ ગયું છે. ટી.પી.ઓ.ને બદલે નાના બાંધકામ પ્લાનની મંજુરીનું કામ સિટી ઈજનેરોને અપાયું છે અને મોટા બાંધકામોને મંજુરીનું કામ રૃડાના ટી.પી.ઓ.ને અપાયું છે.
આ સ્થિતિમાં નવા અધિકારીઓએ જી.ડી.સી.આર. અને અમદાવાદ સહિત શહેરોમાં અમલી નિયમોને ધ્યાને લઈને રાજકોટમાં મોટા બાંધકામ પ્રોજેક્ટોમાં ફ્લાવર બેડમાં જેલહવાલે ટી.પી.ઓ.સાગઠીયાના સમયમાં વર્ષો સુધી જે છૂટછાટ અપાતી તે બંધ કરી દેવાઈ છે અને તે સામે બિલ્ડરોનો છુપો અને તીવ્ર વિરોધ હોવાનું જાણવા મળ્યું છે. અને તેના પગલે હવે વિવાદ સપાટી પર આવી રહ્યો છે. બિલ્ડરોએ આજે કહ્યું કે અમે તા.૯ ડિસેમ્બરે પ્લાન મંજુરીની કામગીરી ઠપ્પ થઈ છે તે સામે રેલી કાઢીશું ત્યારે બીજી તરફ ટી.પી.ઓ.નો સંપર્ક સાધતા જણાવાયું કે કોઈ કામગીરી ઠપ્પ કે ધીમી નથી થઈ, ૪૦ હાઈરાઈઝ બિલ્ડીંગ પ્લાન ઉપરાંત ૨૦૦૦થી વધુ ઓનલાઈન પ્લાન મંજુર કર્યા છે અને ફાયર ઓફિસરે જણાવ્યું કે ફાયર એન.ઓ.સી.ઈસ્યુ થઈ ગયા છે અને હાલ નોંધપાત્ર પેન્ડીંગ કેસો નથી.