Bhavnagar,તા.06
ગ્રેચ્યુઈટી અંગેના કાયદામાં પ્રવર્તતી વિસંગતતાની ગુંચ ઉકેલવા ભાવનગર ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝે રાજ્યના ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર વિભાગના મંત્રીને રજૂઆત કરી છે.
ં ડિસ્ટ્રીક્ટ ચેમ્બરે રજૂઆતમાં જણાવ્યું કે, ગ્રેચ્યુઈટી એક્ટ હેઠળ કોઈપણ સંસ્થા કોઈ નિયમોનો ભંગ કરે ત્યારે તેને નોટિસ આપી ગાંધીનગર ખાતે રૂબરૂ પૂર્તતા કરવા માટેનો આગ્રહ રાખવામાં આવે છે. જ્યારે આ અંગેનો કોઈ કેસ કરવાનો થાય તો જે-તે જિલ્લામાં કરવામાં આવે છે. ગ્રેચ્યુઈટી એક્ટ ૧૯૭૨ હેઠળ પૂર્તતા કરવા માટે ગાંધીનગર રૂબરૂ જવું પડે તેવી કોઈ જોગવાઈ ન હોવા છતાં દરેક સંસ્થાઓને આ પ્રકારની ફોજદારી કાર્યવાહી કરવા માટેની નોટિસ આપવામાં આવે છે. નોટિસમાં જણાવેલ નક્કી દિવસે જ જરૂરી રેકોર્ડ લઈને જ ગાંધીનગર આવવાનો અને પોસ્ટ દ્વારા મોકલેલ રેકોર્ડ ધ્યાને લેવામાં આવશે નહીં તેમ જણાવાય છે. હવે નાની સંસ્થાઓ કે લઘુ ઉદ્યોગોને વહીવટી કારણોસર પોષાય નહીં કેમકે, આ કામગીરી માટે અલગ-અલગ સ્ટાફ ન હોય તેમજ સમય તથા નાણાંનો વ્યય પણ થાય છે. બીજી તરફ કેસ કરવાનો થાય ત્યારે જે-તે જિલ્લામાં કરવાના હોય છે. આમ, એક જ બાબત માટે બે જાતની પ્રક્રિયા શા માટે ? તેવો રજૂઆતમાં પ્રશ્ન કરાયો હતો અને આ બાબતને તાકીદની ગણી નોટિસ તેમજ કાયદાકીય કાર્યવાહી મૂળ કાયદાની જોગવાઈ પ્રમાણે જે-તે જિલ્લાના આસિસ્ટન્ટ કમિશનર પાસે કરવામાં આવે તેવી સૂચના આપવા રજૂઆતમાં માંગ કરાઈ છે.

