મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં ઉંચા મથાળેથી ઝડપી પીછેહટ દેખાઈ હતી. ડોલરના ભાવ રૂ.૮૪.૭૪ વાળા આજે સવારે રૂ.૮૪.૬૫ ખુલ્યા પછી ભાવ વધુ ગબડી નીચામાં રૂ.૮૪.૫૩ સુધી ઉતરી ગયા હતા. ત્યારબાદ ભાવ ફરી ઉંચકાઈ ઉંચામાં રૂ.૮૪.૭૦ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૪.૬૯ રહ્યા હતા.
શેરબજારમાં જો કે વધ્યા ભાવથી પીછેહટ દેખાવા છતાં કરન્સી બજારમાં આજે રૂપિયો એકંદરે મજબૂત રહ્યો હતો. દરમિયાન, રિઝર્વ બેન્ક દ્વારા આજે બહાર પાડવામાં આવેલી ધિરાણ નીતિમાં બેન્કો માટે કેશ રિઝર્વ રેશિયો ઘટાડવામાં આવતાં તેતની અસર કરન્સી બજાર પર દેખાઈ હતી. આરબીઆઈ દ્વારા સીઆરઆર ઘટાડવામાં આવતાં બજારમાં નાણાં પ્રવાહિતા વધવાની ગણતરી બજારના જાણકારો બતાવી રહ્યા હતા.
જો કે કરન્સી બજારમાં આજે ડોલર સામે રૂપિયો વધ્યો હતો. પરંતુ વિકલી ધોરણે ગણતાં આ સપ્તાહમાં સાપ્તાહિક ઘટાડો આગળ વધતાંછેલ્લા સતત પાંચ સપ્તાહથી રૂપિયો નીચે ઉતરતો રહ્યો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું
આરબીઆઈ દ્વારા ફોરેન કરન્સી નોન-રેસીડન્ટ ભારતીયો માટે ફોરેન કરન્સી ડિપોઝીટો પરના વ્યાજના દરમાં ટોચ મર્યાદા વધારી છે અને તેના પગલે દેશમાં આવી થાપણો મારફત ડોલરનો પ્રવાહ વધવાની આશા ઊભી થતાં મુંબઈ કરન્સી બજારમાં તેના પગલે પણ રૂપિયા સામે ડોલરના ભાવમાં પીછેહટ દેખાઈ હતી.
જો કે મુંબઈ બજારમાં આજે ડોલરના ભાવ તૂટયા પછી નીચા મથાલે આયાતકારો તથા ઓઈલ કંપનીઓ ડોલર ખરીદવા આવતાં તેના પગલે બપોર પછીના ગાળામાં ડોલરના ભાવ નીચા મથાળેથી ફરી ઉંચકાયા હતા એવું બજારના જાણકારોએ જણાવ્યું હતું.
જો કે વિશ્વ બજારમા વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ૧૦૫.૭૧ વાળો આજે નીચામાં ૧૦૫.૬૮ થયા પછી ઉંચામાં ૧૦૫.૯૦ થઈ ૧૦૫.૮૨ રહ્યાના નિર્દેશો મળ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા સામે આજે ડોલરમાં પીછેહટ જ્યારે બ્રિટીશ પાઉન્ડ અને યુરોપીયન કરન્સી યુરોના ભાવમાં આગેકૂચ જોવા મળી હતી.
બ્રિટીશ પાઉન્ડના ભાવ ૨૭ પૈસા વધી ઉંચામાં રૂ.૧૦૮ પાર કરી રૂ.૧૦૮.૧૬ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૧૦૮.૦૭ રહ્યા હતા. જ્યારે યુરોના ભાવ ૩૭ પૈસા વધી ઉંચામાં રૂ.૮૯.૭૩ થઈ છેલ્લે રૂ.૮૯.૫૯ રહ્યા હતા.
દરમિયાન, ભારતનો ફોરેક્સ રિઝર્વ તાજેતરમાં એકધારા ઘટાડા પછી હવે વધુ ઘટતો અટકી ૧.૫૧ અબજ ડોલર વધી ૬૫૮.૦૯ અબજ ડોલર થતાં તેની અસર રૂપિયા પર દેખાઈ હતી. દરમિયાન, મુંબઈ બજારમાં આજે રૂપિયા સામે જાપાનની કરન્સી ૦.૪૧ ટકા ઘટી હતી જ્યારે ચીનની કરન્સી ૦.૧૫ ટકા માઈનસમાં રહ્યાના નિર્દેશો હતા.