Ahmedabad, તા.7
ઔદ્યોગિક રાજ્ય એવા ગુજરાતમાં નાના ઉદ્યોગોની મોટી સંખ્યા છે અને તેમાં રાજકોટ સહિતના શહેરોની ગણના થાય છે ત્યારે છેલ્લા બાવન મહિનામાં 5974 નાના એકમોને તાળા લાગી ગયા હોવાનું જાહેર થયું છે.
કેન્દ્રના વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રાલય દ્વારા સંસદમાં પેશ કરાયેલા રીપોર્ટમાં એમ કહેવાયું છે કે ગુજરાતમાં જુલાઇ-2020થી અત્યાર સુધીના બાવન મહિનામાં એમએસએમઇ ક્ષેત્રના 5974 એકમો બંધ થયા હતા. નાના એકમો બંધ થવાના કિસ્સામાં ગુજરાત ત્રીજા ક્રમે છે. સૌથી વધુ 15220 નાના એકમો મહારાષ્ટ્રમાં બંધ થયા છે. તામીલનાડુમાં બંધ થયેલા એકમોની સંખ્યા 7894 છે.
કોરોનાકાળ પછીની આર્થિક વ્યાપાર ઉદ્યોગની હાલત, મોંઘવારી તથા ડીમાંડ ધીમી પડવા સહિતના કારણોસર નાના ઉદ્યોગોને ટકી રહેવાનું મુશ્કેલ બન્યું હતું. ખાસ કરીને કેમીક્લ્સ તથા ટેક્સટાઇલ્સ ક્ષેત્રમાં હાલત વધુ ખરાબ બની હતી. ડીમાંડમાં ઘટાડો તથા પડતર ખર્ચમાં વૃધ્ધિથી એકમો ચલાવવાનું મુશ્કેલ બની ગયું હતું. હજુ સેંકડો નાના એકમો પડકારભરી હાલતનો સામનો કરી રહ્યા છે.
કેન્દ્ર સરકારે નાના એકમોને કાર્યકારી મૂડીમાં તકલીફ ન રહે તે માટે ખાસ યોજના જાહેર કરી હોવા છતાં સૂક્ષ્મ એકમો બેન્કીંગ સુવિધાના અભાવે યોજનાનો લાભ લઇ શકતા નથી. રોકડ નાણાની કટોકટીને કારણે સટર પાડી દેવા સિવાય કોઇ વિકલ્પ રહેતો નથી.
ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ-ગુજરાતના પ્રમુખ પથિક પટવારીએ જણાવ્યું હતું કે અનેક નાના એકમોએ ધંધો બદલાવી નાખ્યો છે. ટેકનોલોજી, અપગ્રેડેશનને કારણે પણ ઘણા એકમોને તકલીફ થઇ છે. કારણ કે તેમના માટે સ્પર્ધા કરવાનું અશક્ય છે.
આ ઉપરાંત નાના ઉદ્યોગોને 45 દિવસમાં પેમેન્ટ કરવાનું ફરજીયાત બનાવતા કાયદાને કારણે પણ મોટી કંપનીઓના ઓર્ડરમાં ઓટ આવી છે. વધુનો પરિવહન ખર્ચ પણ કથળતી આર્થિક હાલત પાછળનું એક કારણ છે.