રાજકોટ. તા.07
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ થોડાં સમય પહેલાં પેઘી ગયેલા ગુનેગારોને તેની ભાષામાં સરભરા કરવાની ટકોર બાદ શહેર પોલીસ પણ ગુનેગારો સામે મેદાને આવી છે. ત્યારે ખત્રીવાડ ચોકમાં બંગાળી કારીગર પર નજીવી બાબતે છરીથી હુમલો કરનાર રીક્ષા ચાલકને પોલીસે પકડી સીન વીંખી નાંખી ઘટનાસ્થળે લઈ જઈ સરભરા કરી હતી. આરોપીને ઘટનાસ્થળે લઈ આવતાં લોકોના ટોળા ઉમટ્યા હતાં.
બનાવ અંગે ખત્રીવાડ ચોક બાવાજીરાજ રોડ લાલજી પારેખની શેરી રાધે ક્રિષ્ના જવેલર્સ નામની સોનાના ઘાટ કામના કારખાનામાં રહેતાં મૂળ પશ્ચીમ બંગાળના વતની દિપાંકર સુભાષચંદ્ર ઘોરાય (ઉ.વ.42) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સીએનજી રીક્ષા નં. જીજે-03-એચ–1278 ના ચાલકનું નામ આપતાં એ. ડિવિઝન પોલીસે બીએનએસ એક્ટ 118(2), 115(2) સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે છેલ્લા પાંચેક વર્ષથી રાધે કિષ્ના જવેલર્સ નામના સોનાના ઘાટ કામના કારખાનામાં ઓફિસ વર્ક તરીકે નોકરી કરે છે. ગઈકાલે બપોરના સાડા બારેક વાગ્યાની આસપાસ તેમના શેઠના એકટીવા લઈ કારખાનાના કામથી પેલેસ રોડ ઉપર આવેલ કોટક મહિન્દ્રા બેંકમાં ગયેલ અને ત્યાંથી પરત કારખાને જતો હતો ત્યારે સોની બજાર ચોક રોડ ઉપર આવેલ જે.જે. ગોલ્ડ એન્ડ સિલ્વર નામની દુકાન પાસે પહોંચતા ત્યાં રોડનું કામ ચાલતું હોય અને રોડ પર રેતીનો ઢગલો હોય જે રેતીના ઢગલામાં એક એક સીએનજી રીક્ષા ફસાઈ ગયેલ હતી.
તે રિક્ષાવાળો પોતાની રીક્ષા રેતીના ઢગલામાંથી કાઢવા માટે રીક્ષાને પાછળ લેતો હતો. રોડ ઉપર એકટીવા ચાલે તેવી જગ્યા ન હોય જેથી એકટીવા ત્યાં ઉભું રાખી ઉભો રહી ગયેલ બાદ રિક્ષાવાળાએ તેની રીક્ષા રેતીના ઢગલા માંથી બહાર કાઢી લેતા એક્ટીવાની રાખવાની જગ્યા થતા તેને એકટીવા ચાલુ કરી આગળ ચલાવતા રિક્ષાવાળો કહેવા લાગેલ કે, તારે જવાની બહુ ઉતાવળ છે, તેમ કહી ગાળો દઈ બોલાચાલી કરી ઝઘડો કરવા લાગેલ અને ફડાકા ઝીંકી દીધેલ હતાં. જેથી યુવાને પોતાનું એકટીવા પાછુ લીધેલ અને રીક્ષાવાળાને કહેલ કે, વાંધો નહીં તમે તમારી રીક્ષા કાઢી લ્યો જેથી તે ઉશ્કેરાઈ જઈ તેના છરી કાઢી એક ઘા ઝીંકી દિધો હતો. બનાવ સમયે દેકારો થતાં લોકો દોડી આવ્યાં હતાં. બાદમાં યુવાનને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડેલ હતો.
બનાવ અંગેની ફરીયાદ પરથી એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીઆઈ આર.જી.બારોટ અને ટીમે સીસીટીવી ફુટેજના આધારે આરોપીની ઓળખ મેળવી ગણતરીની કલાકોમાં યુવાન પર હુમલો કરનાર સાકીર હમીદ યુસુફી (રહે. રામનાથપરા, હુસેની ચોક, શેરી નં.6) ને દબોચી લઈ તેની સરભરા કરી બનાવ સ્થળે લઈ જઈ કાયદાનું ભાન કરાવ્યું હતું. આરોપીને બનાવસ્થળે લઈ આવતાં લોકોના ટોળાં એકઠાં થયાં હતાં અને પોલીસે લોકોનો ભય દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.
ખત્રીવાડમાં બંગાળી કારીગર પર હુમલો કરનાર રીક્ષા ચાલકને પોલીસે પકડી સરભરા કરી હતી અને બાદમાં ઘટનાસ્થળે લઈ જતાં લોકોના ટોળા ઉમટ્યા હતાં. જે તસવીરમાં જોઈ શકાય છે.