મંગલમ ક્રેડીટ સોસાયટીને સમય મર્યાદામાં વળતર ન ચૂકવે તો વધુ ૬ માસની સજાનો હુકમ
Rajkot,તા.૭
મંગલમ ક્રેડીટ કો.ઓ.સોસાયટી લી.માંથી લીધેલ ધિરાણની વસુલાત પેટે આપેલ ચેક રિટર્ન થતા થયેલી ફરીયાદમાં લતાબેન સંજયભાઈ ઠાકોરને કોર્ટે ૧ વર્ષની સજા ફટકારી છે.આ કેસની હકીકત એવી છે કે, ફરીયાદી મંડળી મંગલમ ક્રેડીટ કો.ઓ.સોસાયટી લી.માંથી આરોપી લતાબેન સંજયભાઈ ઠાકોરે રૂ.૫૦,૦૦૦ની જાત જામીન લોન લીધેલ. ત્યારબાદ મંડળીની કાયદેસરની લેણી રકમ રૂ.૧૯,૬૯૯ ચૂકવવા ફરીયાદી મંડળીને ચેક આપેલો. આ ચેક રિટર્ન થયો હતો. લીગલ નોટિસ આપેલ તેમ છતાં આરોપીએ લેણી રકમ પરત ન ચુકવતા ફરીયાદી મંડળીએ રાજકોટના ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ સમક્ષ ફરીયાદ દાખલ કરેલી. આરોપી ગેરહાજર રહેતા હોય, ફાઈનલ દલીલનો હકક બંધ કરવામાં આવેલ. કેસ ચાલતા ફરિયાદી મંડળીના એડવોકેટ અશ્વિન પાડલીયાએ કરેલી દલીલ, રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા, ટાંકેલા વિવિધ કોર્ટના ચુકાદા ધ્યાને લઈ અદાલતે લતાબેન સંજયભાઈ ઠાકોરને તકસીરવાન ઠેરવી ૧ વર્ષની સજા અને ચેકની રકમ ન ચુકવે તો વધુ ૬ માસની સજાનો હુકમ કર્યો હતો.
આ કેસમાં ફરિયાદી મંડળી વતી એડવોકેટ અશ્વિન ડી. પાડલીયા, રવિરાજસિંહ રાઠોડ, ભાર્ગવ ડી. બોડા, તથા આસીસટન્ટ તરીકે યશરાજસિંહ એમ. જાડેજા રોકાયેલા હતા.