સગીર અને તેના વાલી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આરંભતી ગાંધીગ્રામ પોલીસ
Rajkot,તા.09
શહેરમાં એક બાળ કિશોરે બેફામ સ્કૂટર હંકારી અકસ્માત સર્જયાની ઘટના સામે આવી છે. રૈયા રોડ નજીક વૈશાલીનગરમાં બનેલી ઘટનામાં સગીરે બેફામ વાહન ચલાવી અન્ય એક એક્ટિવાને હડફેટે લેતા 16 વર્ષીય કિશોર ઈજાગ્રસ્ત થયો હતો. જે અકસ્માતના પગલે ગાંધીગ્રામ પોલીસે અકસ્માત સર્જનાર સગીર અને તેના વાલી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જયારે સામાપક્ષે ઈજાગ્રસ્ત થનાર સગીર પણ લાયસન્સ વિના વાહન ચલાવતો હોવાથી તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.
પ્રાપ્ત વિગત અનુસાર ગત તા. 3 ડિસેમ્બરના રાત્રીના અગિયાર વાગ્યાં આસપાસ એક 17 વર્ષીય સગીર જીજે-03-એમક્યુ-3404 વાળું એક્ટિવા લઈને નીકળ્યો હતો. લાયસન્સ વિના વાહન હંકારતા સગીરે વૈશાલીનગર શેરી નંબર 9 ના ખૂણે અન્ય એક એક્ટિવાને હડફેટે લેતા 16 વર્ષીય સગીરના દાંત તૂટી ગયાં હતા જયારે શરીરે ઇજા પહોંચી હતી.
બનાવને પગલે ગાંધીગ્રામ પોલીસે 17 વર્ષીય સગીર અને પોતાનું બાળક સગીર હોવાથી છતાં વાહન આપનાર તેના વાલીવારસ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. જયારે મામલામાં ગાંધીગ્રામ પોલીસના પીઆઈ કે જે કરપડાએ જણાવ્યું હતું કે, સામાપક્ષે ઈજાગ્રસ્ત થનાર સગીર પણ લાયસન્સ વિના વાહન ચલાવતો હોવાથી સગીર અને તેના વાલી વારસ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.