Mumbai,તા.12
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના દિવસો સારાં નથી ચાલી રહ્યાં. તેવામાં, યશસ્વી જયસ્વાલની મોડા પહોંચવાની આદતે તેમનો ગુસ્સો વધુ વધાર્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમ એડિલેડથી બ્રિસબેન જવા રવાનાં થવાની હતી ત્યારે આ ઘટના બની હતી. તમામ ખેલાડીઓ સમયસર હોટલની લોબીમાં હાજર હતાં, પરંતુ યશસ્વી જયસ્વાલનો કોઈ પત્તો નહોતો.
રિપોર્ટ અનુસાર, ટીમ સવારે 8:30 વાગ્યે એડિલેડ એરપોર્ટ જવા રવાનાં થવાની હતી. પહેલાં તો રોહિતે થોડીવાર રાહ જોઈ, પણ યશસ્વી ન આવતાં તેનો ગુસ્સો વધી ગયો હતો અને ઘણી ચર્ચા પછી રોહિતે નક્કી કર્યું કે ટીમની બસ જયસ્વાલ વગર જ નીકળી જશે. ટીમ મેનેજર અને સિનિયર સિક્યોરિટી ઓફિસરને હોટેલમાં જ રહેવાની સૂચના આપવામાં આવી હતી, જેથી યશસ્વીને કોઈક રીતે એરપોર્ટ લઈ જવામાં આવે.
યશસ્વી જયસ્વાલ હોટલની લોબીમાં પહોંચ્યાં ત્યાં સુધીમાં ટીમ નીકળી ગઈ હતી. તે સમજી ગયો કે કેપ્ટને કડક કાર્યવાહી કરીને તેને પાછળ છોડી દીધો છે. જોકે ટીમ મેનેજમેન્ટે તેનાં માટે કારની વ્યવસ્થા કરી હતી. ટીમનાં સિનિયર સિક્યુરિટી ઓફિસર સાથે યશસ્વી પ્રાઈવેટ કાર લઈને એરપોર્ટ પહોંચ્યો હતો .