New Delhi,તા.16
આજે સવારે ફરી એકવાર દિલ્હીની એક શાળામાં બોમ્બની ધમકી મળી છે. આ સાથે આ સપ્તાહે રાજધાનીમાં શાળાઓને ધમકીભર્યા ઈમેલ મોકલવાની આ ત્રીજી ઘટના છે.
દિલ્હી ફાયર સર્વિસના અધિકારીએ જણાવ્યું કે, અમને સવારે 6:09 વાગ્યે ડીપીએસ આરકે પુરમમાં બોમ્બની ધમકીનો કોલ આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે ફાયર વિભાગ, સ્થાનિક પોલીસ, ડોગ સ્કવોડ અને બોમ્બ ડિટેક્શન ટીમો શાળામાં પહોંચી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે શાળામાંથી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી પરંતુ શોધ ચાલું છે. અગાઉ શુક્રવારે, લગભગ 30 શાળાઓને ઈમેલ પર બોમ્બની ધમકીઓ મળી હતી, જેનાં પગલે બહુવિધ એજન્સીઓએ તેમનાં કેમ્પસની શોધ શરૂ કરી હતી.
અગાઉ સોમવારે, ઓછામાં ઓછી 44 શાળાઓને સમાન ઇમેઇલ મળ્યાં હતાં. જ્યારે સર્ચ દરમિયાન કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું, ત્યારે પોલીસે આ ધમકીઓને અફવા ગણાવી હતી.
અગાઉ દિલ્હીની 40 થી વધુ શાળાઓને 8 ડિસેમ્બરના રોજ લગભગ 11:38 વાગ્યે સમાન ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં ડીપીએસ આરકે પુરમ અને પશ્ચિમ વિહારની જીડી ગોએન્કા સ્કૂલનો સમાવેશ થાય છે. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમનાં કેમ્પસમાં બોમ્બ મુકવામાં આવ્યાં હતાં. મેલમાં કહેવામાં આવ્યું હતું કે જો બોમ્બ વિસ્ફોટ થશે તો મોટું નુકસાન થશે. મેલ મોકલનારએ બ્લાસ્ટ રોકવાના બદલામાં 30 હજાર ડોલરની માંગણી કરી હતી.
સ્કૂલ મેનેજમેન્ટે તાત્કાલિક કાર્યવાહી કરી બાળકોને પાછા મોકલી દીધાં અને ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. માહિતી મળ્યાં બાદ પોલીસ અને ફાયર વિભાગની ટીમો શાળામાં પહોંચી અને પરિસરની તપાસ કરી હતી. તપાસ બાદ કોઈ વિસ્ફોટકો મળી આવ્યાં ન હતાં.