Rajkot, તા. 16
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં પ્રમાણમાં સામાન્ય ઘટાડો થયો છે. છતાં લોકો શિયાળાના મિજાજનો અનુભવ કરી રહ્યા છે. નલીયામાં આજે ન્યુનતમ તાપમાન 7.8 ડિગ્રી નોંધાયુ હતું. તો રાજકોટમાં તાપમાન 11 ડિગ્રી પર રહ્યું હતું. અમરેલીમાં પ્રથમ વખત એક આંકડામાં પારો આવ્યો છે.
આજે અમરેલી 9.6, ભાવનગર 12.2, ભુજ 11.6, પોરબંદર 12, વેરાવળમાં 18.5 ડિગ્રી તાપમાન હતું તો ડીસામાં 9.9, અમદાવાદમાં 14, વડોદરા 12.2, સુરતમાં 15.2 ડિગ્રી પર પારો હતો.
અમરેલી
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કોલ્ડવેવની અસર હોય ભારે પવન સાથે કડકડતી ઠંડીમાં લોકો ઠુંઠવાયા છે. ત્યારે આજે વ્હેલી સવારે અમરેલી જિલ્લામાં ચાલું સિઝનમાં સૌ પ્રથમ વખત સિંગલ ડિઝિટમાં અમરેલી 9.6 ડિગ્રી જેટલું નીચું તાપમાન તાપમાન નોંધાયું છે.
અમરેલી શહેર સહિત જિલ્લામાં છેલ્લા ઘણાં દિવસથી ભારે ઠંડી પડી રહી છે. ઠંડીના કારણે આજે સવારે શહેરના મુખ્ય માર્ગો મોડે સુધી સૂમસામ જોવા મળતા હતા. ત્યારે સવારે સ્કૂલે જતાં બાળકો પણ રંગબેરંગી ગરમ કપડામાં ઢબુરાઈને સ્કૂલેજતાં જોવા મળતા હતા. જયારે મોર્નિંગ વોકમાં નીકળતા લોકો પણ ઠંડીના કારણે ઓછા જોવા મળી રહયા હતા.
ગઇકાલ દિવસભર હવામાન ઠંડુગાર રહેતા અને રાત ઢળતા જ ઠંડી વધી જતાં શહેરના વેપારીઓ પણ રાત્રે વહેલાસર ધંધા રોજગાર આટોપી અને ઘર તરફ નીકળી ગયા હતા. ત્યારે આજે અમરેલી ખાતે મહત્તમ તાપમાન 30.8 લઘુત્તમ તાપમાન 9.6, ભેજનું પ્રમાણ 75 ટકા અને પવનની ગતિ 3.3 કિ.મી. નોંધાયેલ છે.
જામનગર
જામનગરમાં શિયાળાની ઠંડીએ જમાવટ કરતાં સવારના પહોરમાં મોડે સુધી રસ્તાઓ સૂમસામ જોવા મળે છે. વહેલી સવારે કામ સિવાય લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યાં છે. આજે જામનગર શહેરમાં લઘુતમ તાપમાનનો પારો 12.6 ડિગ્રીથી નીચે નોંધાતા આ વિસ્તારમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે.
ડિસેમ્બર મહિનામાં શિયાળાએ જમાવટ કરી છે. કાતિલ પવનના સુસવાટાથી આખો દિવસ ટાઢોડુ છવાઈ રહેતા લોકો ઠંડીમાં ઠીંગરાયા છે. તેની સાથે આગામી સપ્તાહે હવામાનમાં પલ્ટા સાથે કેટલાક વિસ્તારોમાં માવઠુ થવાની શક્યતા છે.
કુદરતી એસીના કારણે પંખા, એસી બંધુ રાખવાની નોબત આવી છે. કાતિલ ઠારના કારણે શહેરીજનોને ફરજિયાત ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી. તેમજ ખાણીપીણી સહિતની બજારોમાં ઠંડીના કારણે સોંપો પડી ગયો છે. શહેરનું મહતમ તાપમાન 25.8 ડિગ્રી નોંધાયું છે. તો વાતાવરણમાં ભેજનું પ્રમાણ 51 ટકા અને પવનની ગતિ પ્રતિકલાક 5.6 કિમિ નોંધાઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સોમવારથી કાતિલ ઠંડીમાં રાહત મળવાના અણસાર મળી રહ્યા છે. આગામી સપ્તાહે હવામાન બદલાય તેવા સંકેત મળી રહ્યા છે.તા.19 આસાપાસ વાદળા છવાતા ઠંડીમાં ઘટાડો થશે અને 22મી આસપાસ કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.
ભાવનગર
ભાવનગર શહેરમાં આજે સોમવારે લઘુતમ તાપમાન ગગડીને 12.2 ડીગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેદ નું પ્રમાણ 68 ટકા રહ્યું હતું .જ્યારે પવનની ઝડપ 8 કિમી પ્રતિ કલાકની રહી હતી. ઠંડી વધતા લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ નજરે પડ્યા હતા. અને રોડ પર લોકોની ચહલ પહલ ઘટી હતી. જિલ્લામાં ઠંડી વધતા શિયાળુ પાકને ફાયદો થશે તેમ જાણકારોએ જણાવ્યું હતું.
જુનાગઢ
જુનાગઢ શહેર અને જીલ્લામાં ઠંડીનો માહોલ બે દિવસથી છવાઇ જવા પામ્યો છે. કડકડતી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. આખો દિવસ લોકો ગરમ કપડા પહેરેલા નજરે પડયા હતા. શનિવારના તાપમાન 15 ડિગ્રીએ હતું તે સ્થિર થયો હતો. હજુ ઠંડીનો પારો વધુ નીચે જશે તેવું હવામાન ખાતાએ જણાવ્યું છે. ઠંડી પાંચ વર્ષનો રેકોર્ડ તોડશે તેમ પણ જણાવાયું છે.