Rajkot, તા.16
બોગસ દસ્તાવેજ કૌભાંડમાં રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ એક્શનમાં આવી આ પ્રકરણમાં સીટી પ્રાંત-1 અધિકારી ચાંદની પરમારને તપાસ સોંપી દીધી છે. જેમાં ખોટી નોંધ પડી હોય તો તે રદ્ કરી રીપોર્ટ કરવા આદેશ આપેલ છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે, ઝોનલ-1ની સબ રજિસ્ટ્રાર કચેરીમાં વર્ષ 1950 થી 1972 સુધીના 17 દસ્તાવેજો સાથે છેડછાડનું કૌભાંડ ઉજાગર થતાં જ ઝોનલ-1 સબ રજિસ્ટ્રાર કચેરીના અધિકારી અતુલ દેસાઇએ આ મામલે પોલીસ ફરિયાદ કરતા આ કચેરીના સુપરવાઇઝર હર્ષ સોની, કોમ્પ્યુટર ઓપરેટર જયદિપ ચાવડા અને એડવોકેટ કિશન ચાવડા સામે ગુનો દાખલ કરી પોલીસે તપાસ શરુ કરી છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ચકચારી બનેલા આ કૌભાંડના મુળ સુધી પહોંચવા પોલીસે કવાયત શરુ કરી દીધી છે તેની સાથોસાથ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ એક્શન મોડમાં આવી આ પ્રકારની તપાસ વર્ગ-1ના અધિકારી સીટી પ્રાંત-1 ચાંદની પરમારને સોંપી દીધી છે.
બોગસ દસ્તાવેજ કૌભાંડમાં ગામતળના નમુના નં.2 અને 7માં પણ જો ખોટી નોંધ પડી છે કે કેમ? તેની પણ તપાસ કરવા અને જો ખોટી નોંધ પડી હોય તો તે રદ્ કરી રીપોર્ટ કરવા માટે કલેક્ટર પ્રભવ જોશી દ્વારા આદેશ કરવામાં આવેલ છે.
કલેક્ટરના આ આદેશના પગલે પ્રાંત-1 અધિકારી ચાંદની પરમાર સહિત મામલતદારો અને મહેસુલી અધિકારીઓ દ્વારા તપાસનો દોર હાથ પર લેવામાં આવેલ છે.
દરમિયાન આ અંગે કલેક્ટર પ્રભવ જોશીનો સંપર્ક કરાતા તેઓએ પણ જણાવ્યું હતું કે સબ રજિસ્ટ્રાર કચેરીના 17 દસ્તાવેજો સાથે થયેલી છેડછાડના મામલે પ્રાંત-1 અધિકારીને તપાસ સોંપી દેવામાં આવી છે. જે બાદ હવે પ્રાંત-1 અધિકારીની તપાસના અંતે આ પ્રકરણમાં વધુ વિગતો ઉજાગર થશે.
સબ રજિસ્ટ્રાર કચેરી ઝોનલ-1 કચેરીના 17 દસ્તાવેજો સાથે છેડછાડનું મોટું કૌભાંડ ખુલ્યા બાદ રાજકોટ દક્ષિણ મામલતદાર કચેરીનો જેઓની પાસે ચાર્જ છે તેવા પૂર્વ વિભાગના મામલતદાર એસ.જે. ચાવડા દ્વારા આવી જ વધુ એક ફરિયાદ પોલીસમાં દાખલ કરી દીધી છે.
જેમાં અભિલેખાગાર કચેરીના ડોક્યુમેન્ટમાં છેડછાડ કરવા બદલ બે સામે ફરિયાદ દાખલ કરાયેલ છે. દસ્તાવેજ કૌભાંડના મામલે ચાર ઝોનની સબ રજિસ્ટ્રાર કચેરીમાં મહેસુલી અધિકારીઓએ પડાવ નાંખી જુના દસ્તાવેજોની તપાસ શરુ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ પશ્ચિમમાં અશાંતધારા ભંગની ફરિયાદના મામલે પણ તપાસણી
રાજકોટ પશ્ચિમ વિસ્તારમાં અશાંતધારાનો ભંગ થતો હોવાની ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહની ફરિયાદ બાદ કલેક્ટર પ્રભવ જોશી દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે રાજકોટ પશ્ચિમનાં કેટલાક ચોક્કસ વિસ્તારોમાં મુસ્લિમ સમાજના સદસ્યો હિન્દુ સમાજના સદસ્યોના નામે મકાન ખરીદી વસવાટ કરી રહ્યાની ફરિયાદ ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે કરી હતી. જે બાદ પ્રાંત-1 અધિકારી ચાંદની પરમાર દ્વારા 12 જેટલા આસામીઓની સુનાવણી કરવામાં આવી હતી જે બાદ હવે કલેક્ટર પ્રભવ જોશીએ પણ આ બાબતે રિવ્યુ લઇ તપાસનો દોર હાથ પર લીધો છે.
ચાર ઝોનની સબ રજિસ્ટ્રાર કચેરીમાં રેવન્યુ અધિકારીઓનો કાફલો ઉતર્યો
દસ્તાવેજ કૌભાંડમાં તપાસનો ધમધમાટ
બોગસ દસ્તાવેજ કૌભાંડમાં કલેક્ટર પ્રભવ જોશીએ તપાસના આદેશ કરતાં જ ઝોન-1 સહિત ચાર સબ રજિસ્ટ્રાર કચેરીમાં રેવન્યુ અધિકારીઓના કાફલાએ ઉતરી પડી તપાસ આરંભી દીધાનું જાણવા મળ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર રેવન્યુ અધિકારીઓની ખાસ ટીમ દ્વારા જુના દસ્તાવેજોની જીણવટભરી તપાસ શરુ કરાયેલ છે તેમજ આ કૌભાંડના આંકડા મેળવવાનું પણ અધિકારીઓ દ્વારા શરુ કરાયેલ છે. પોલીસ અધિકારીઓની સાથે રેવન્યુ અધિકારીઓની ટીમ દ્વારા આ તપાસ શરુ કરાયેલ છે.