વર્ષ 2021નો બનાવ, સીસીટીવી અને એફએસએલ રિપોર્ટ બનાવની સાકળ મજબૂત બની, બે આરોપીને શંકાનો લાભ
Rajkot,તા.17
શાપરના નિલેષ દેવશીભાઇ સોંદરવાના ખુન કેસમાં ચિરાગ રાજેશ જોષીને ગોંડલની સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ 2021નો આ બનાવ છે. નિલેષ ગુમ થયાં બાદ શીતળા મંદિર નાલા નીચેથી તેનો મૃતદેહ મળેલો હતો. છેલ્લે આરોપી ચિરાગ સાથે જોવા મળેલ તેવી દલીલો થઈ અને સીસીટીવી અને એફએસએલ રિપોર્ટ રજૂ કરાયા હતા.
આ કેસની ટુંકી હકીકત એવી છે કે, તા.૨૨/૧૧/૨૧ના રોજ ગુજરનાર નિલેષ ઘરેથી નીકળી ગયેલ અને તેનો ભાઈ સાગર ગુજરનાર નિલેષને અવાર નવાર ફોન કરતો હતો પરંતુ નિલેષનો ફોન બંધ આવતા નિલેષના ભાઈએ આસપાસ અને મિત્ર સર્કલમાં તપાસ કરી હતી, પરંતુ નિલેષ મળી આવેલ નહી. ત્યારબાદ શાપર વિસ્તારમાં પુલ નિચેથી નિલેષનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના શરીર ઉપર ઇજાના નિશાન હતા. પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડ્યો અને મૃતકના ભાઈ સાગરની ફરિયાદ પરથી શાપર પોલીસ સ્ટેશનામાં હત્યાનો ગુનો દાખલ થયો હતો. આરોપી તરીકે ચિરાગ રાજેશ જોષી, ભયલી ઉર્ફે જીજ્ઞેશ અને ભરત ઉર્ફે ભુરાનું નામ અપાયું હતું.
ફરીયાદમાં એવું જણાવેલ કે, ગુજરનાર નિલેષ છેલ્લે આરોપી ચિરાગ જોષી સાથે જોવા મળેલ હતો. જેથી આરોપી ચિરાગ જોષી તથા અન્ય આરોપી ભરત ઉર્ફે ભુરો તેમજ શોહીલ ઉર્ફે શોહીલા સામે આઇપીસી કલમ-૩૦૨ તથા એટ્રોસીટી એકટ મુજબ ગુન્હો દાખલ થયેલ અને આરોપીઓને ડી.વાય.એસ.પી મહર્ષિ રાવલે ગુન્હાના કામે અટક કરેલ અને ત્યાર બાદ ત્રણેય આરોપી સામે ગોંડલની સેસન્સ કોર્ટમાં ચાર્જશીટ થયેલ. આરોપી ભયલી મળી ન આવતા ત્રણ આરોપીઓ સામે ચાર્જશીટ થયા બાદ ફરીયાદી સાગરભાઈ સોંદરવાની જુબાની નોંધવામાં આવેલ તથા સાહેદ જીગ્નેશગીરી ભુપતગીરી તથા ડોક્ટરની જુબાની નોંધવામાં આવેલ તથા સીઆરપીસી એકટના ૧૬૪ મુજબના નિવેદનો તથા સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા દ્વારા રજુ કરવામાં આવેલ દસ્તાવેજી પુરાવા લીસ્ટ રજુ કરવામાં આવેલ તથા તપાસ કરનાર અધિકારી મહર્ષિ રાવલની જુબાની તથા સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયાની દલીલો ધ્યાને લઈ આરોપી ચિરાગ રાજેશભાઈ જોષીને ભારતીય દંડ સંહીતાની કલમ-૩૦૨ વિગેરના કામમાં ગોંડલના સેશન્સ જજ એમ.એ.ભટ્ટીએ આજીવન કેદની સજા ફરમાવેલ છે. જયારે અન્ય બે આરોપીને શંકાનો લાભ મળ્યો હતો. આ કેસમાં સરકાર તરફે સરાકારી વકીલ ઘનશ્યામ કે.ડોબરીયા રોકાયેલ હતા.