Rajkot,તા.18
શહેરની પિતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલક વિજયસિંહ જાડેજાની હત્યાની સોપારી આપવા મામલે ત્રણ દિવસ પૂર્વે માલવિયાનગર પોલીસ મથકમાં જૂનાગઢના લાલા મુસ્લિમ નામના શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. રૂટના ડખ્ખામાં માતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલક મેહુલસિંહ જાડેજાએ હત્યાની સોપારી આપ્યાનો આક્ષેપ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો. જે મામલે આજે ફરિયાદી વિજયસિંહ જાડેજા સહિતના કોંગી આગેવાનો તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે તેવી માંગ સાથે પોલીસ કમિશ્નર કચેરી ખાતે દોડી ગયાં હતા.
પ્રાપ્ત વિગત અનુસાર પિતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલક વિજયસિંહ જાડેજાએ ગત તા. 14 ડિસેમ્બરના રોજ માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, માતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલક મેહુલસિંહ જાડેજાએ જૂનાગઢના લાલા મુસ્લિમને વિજયસિંહ જાડેજાને મોતને ઘાટ ઉતારી દેવા રૂ. 50 લાખની સોપારી આપી હતી. જે બાદ લાલાએ વિજયસિંહ જાડેજાની સ્કોર્પિયો કારને આંતરીને તેમાં બેસી જઈ મેહુલસિંહ જાડેજાએ હત્યા માટે રૂ. 50 લાખની સોપારી આપ્યાની જાણ કરી હતી. મારે તમારી હત્યા કરવી નથી પરંતુ સોપારીના પૈસા આવી જાય ત્યાં સુધી હું કહું તેમ કરવું પડશે તેવી ધમકી આપી હતી.
જે બાદ વધુ એકવાર લાલાએ કારને આંતરી વિજયસિંહ જાડેજાને તેના બુલેટમાં બેસાડી ગયો હતો પણ ઘરેથી પૈસા મંગાવી લઇ તેવું કહી બુલેટ પરથી ઉતરી વિજયસિંહ જાડેજા લાલા મુસ્લિમના કબ્જામાંથી ફરાર થઇ ગયાં હતા. જે બાદ માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હવે ઘટનાને ત્રણ દિવસ વીતી ગયાં બાદ હજુ સુધી પોલીસે સીસીટીવી ચકાસ્યા નથી કે પછી કોઈ તપાસ પણ કરી નથી તેમજ લાલા મુસ્લિમને શોધી પણ શકી નથી ત્યારે માતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલક મેહુલસિંહ જાડેજા અને રાહુલસિંહ જાડેજા રાજકીય વગર ધરાવતા હોય સ્થાનિક પોલીસ કોઈ પગલાં લઇ રહી નથી તેવા આક્ષેપો સાથે મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે તેમજ તટસ્થ તપાસ કરવામાં આવે તેવી લેખિત અને મૌખિક રજુઆત પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાને કરી હતી.