Surendranagar,તા.19
વઢવાણના બાકરથળી ગામ પાસે આવેલા શુભલક્ષ્મી ટાઉનશીપના મકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. જોરાવરનગર પોલીસે મકાનમાં ચોરી કરનાર ત્રણ શખ્સોને રતનપરમાંથી ઝડપી કુલ રૂા.૪૧,૯૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
બાકરથળી ગામ પાસે શુભલક્ષ્મી ટાઉનશીપમાં ભરતભાઈ મેણીયાના બંધ મકાનમાં અજાણ્યા શખ્સોએ ડુપ્લીકેટ ચાવી વડે તાળુ ખોલી રોકડ, સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂા.૧૬,૯૦૦ના મુદ્દામાલની તસ્કરોએ ચોરી કરી હતી. જેની ભરતભાઈએ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન પોલીસ પેટ્રોલિંગ દરમિયાન રતનપર ધાવડી માતાના મંદિર પાસેથી બાઇક પર શંકાસ્પદ હાલતમાં પસાર ત્રણની પુછપરછ કરતા ભાંગી પડયા હતા અને બાકરથળી ગામે શુભલક્ષ્મી ટાઉનશીપના બંધ મકાનમાં કરેલ ચોરીની કબુલાત કરી હતી. પોલીસે વિશ્વજીત ઉર્ફે વીકી શંકરભાઈ સાપરા (ઉ.વ.૨૧, રહે.બાકરથળી), સંજયભાઈ રમેશભાઈ કુંઢીયા દેવીપુજક (ઉ.વ.૨૨, રહે.નિર્મળનગર સુરેન્દ્રનગર) અને નીખીલકુમાર સતીષભાઈ ભટ્ટ (ઉ.વ.૨૭, રહે.ટાગોરબાગ પાછળ સુરેન્દ્રનગર)ને ચોરીના કુલ રૂા.૪૧,૯૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ત્રણેય શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથધરી હતી. જ્યારે ઝડપાયેલ આરોપીઓમાં સંજય કુંઢીયા વિરૂધ્ધ એ-ડિવીઝન પોલીસ મથકે પ્રોહિબીશનનો તથા આરોપી વિશ્વસજીત ઉર્ફે વીકી સાપરા વિરૂધ્ધ નાની મોલડી પોલીસ મથકે પ્રોહિબીશનનો અને આરોપી નીખીલકુમાર ભટ્ટ વિરૂધ્ધ બી-ડિવીઝન અને ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે પ્રોહિબીશનનો ગુન્હો નોંધાયો હોવાનું બહાર આવ્યું હતું.