Junagadh,તા.24
કેશોદમાં રહેતો એક પરિવાર બપોરે શાકોત્સવમાં ગયો ત્યારે બે કલાક બંધ રહેલા મકાનના લોકો તોડી અજાણ્યો શખ્સ ૧૮ લાખ રોકડા અને દાગીના મળી કુલ ૨૨.૨૫ લાખની મતા ચોરી ગયો હતો. પરિવાર પરત આવતા સામાણ અસ્તવ્યસ્ત હતો અને દાગીના- રોકડ ગાયબ હતી. દીનદહાડે ચોરીની ઘટનાથી વિસ્તારમાં ચકચાર વ્યાપી હતી. આ અંગે ફરિયાદ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વધુ વિગત મુજબ કેશોદના આંબાવાડી વિસ્તારમાં રહેતા અને હેન્ડલુમની દુકાન સોંદરડા જીઆઇડીસીમાં બેડિંગનું કારખાનું ધરાવતા નિમેશભાઈ મધુભાઈ કાનાબાર(ઉ.વ.૪૬)અને તેના પરિવારના સભ્યો ગઈકાલે બપોરે સવા બારેક વાગ્યે ઘરને લોકો કરી જુના પ્લોટ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરે શાકોત્સવમાં ગયા હતા. નિમેશભાઈના પિતા જમીને બે વાગ્યા આસપાસ ઘરે પહોંચ્યા ત્યારે ઘરના લોકો તૂટેલા હતા. તેઓએ ફોન કરી દરવાજાનો લોક કોઈએ તોડી નાંખ્યાની વાત કરતા નિમેશભાઈએ ઘરે પહોંચી અંદર તપાસ કરતા અંદરના ચારેય રૃમ ખુલ્લા હતા. રસોડા સામેના રૃમમાં કબાટ હતો તે પણ ખુલ્લો હતો. તેમાં રાખેલા વેપારના ૧૮ લાખ રોકડા ગાયબ હતા.
મંદિરની બાજુના રૃમના કબાટમાંથી સોનાનું ડોકિયું, મંગલસૂત્ર, બંગડી, ચેઇન વીંટી મળી ૪.૨૦ લાખની કિંમતના સાતેક તોલાના દાગીના પણ ગાયબ હતા. નિમેશભાઈના બેડરૃમમાં રહેલું પાંચ હજાર અને ડેબીટ કાર્ડ સાથેનું પાકીટ પણ ગાયબ હતું. અન્ય રૃમમાં પણ સામાન વેરવિખેર હાલતમાં હતો. આ અંગે જાણ થતાં કેશોદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી.આ અંગે નિમેશભાઈએ ફરિયાદ કરતા પોલીસે સીસીટીવી કેમરા, ડોગ સ્ક્વોડ અને એફ.એસ.એલ.ની મદદથી તપાસ હાથ ધરી છે.ધોળા દિવસે બે કલાક બંધ રહેલા મકાનમાં ૨૨.૨૫ લાખની મતાની ચોરીની ઘટનાથી વિસ્તારમાં ચકચાર વ્યાપી છે. કેશોદમાં અવારનવાર ચોરીની ઘટના બનતા લોકોમાં ભય ફેલાયો છે.