Rajkot,તા.26
શહેરના નાના મૌવા રોડ પર મની પ્લસ નામે શરાફી મંડળી ધરાવતા અલ્પેશ દોંગા આણી ટોળકીએ વ્યાજે નાણાં ધીરી વધુ એક છેતરપિંડી આચરી લીધાનો બનાવ સામે આવ્યો છે. ધ્રોલના વાંકીયા ગામના ખેડૂતે વ્યાજે લીધેલ રૂ.21 લાખના 30 લાખ ચૂકવ્યાં છતાં કિંમતી 17 વિઘા જમીનનો દસ્તાવેજ કરાવી લઈ જમીનનો દસ્તાવેજ મોરબીની મહિલાના નામે કરી નાંખી, જમીન પર કબ્જો કરવાં ધ્રોલના હોટલ સંચાલક ભરવાડને હવાલો આપી ધમકીઓ અપાવી હતી. બનાવ અંગે તાલુકા પોલીસે અલ્પેશ દોંગા સહિત પાંચ શખ્સો સામે છેતરપિંડી, મનીલેન્ડ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
ધ્રોલના વાંકીયા ગામે રહેતાં જયસુખભાઈ મોહનભાઈ ભીમાણી (ઉ.વ.46)એ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અલ્પેશ દોંગા, નૈમિશ રામાણી (રહે. બંને રાજકોટ), ભૂરો ભરવાડ (રહે. ધ્રોલ), નારણ ભરવાડ અને પુરીબેન ભરવાડ (રહે. બંને મોરબી) નું નામ આપ્યું હતું. 46 વર્ષીય પ્રૌઢ ખેડૂતે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2022 માં તેમને ધંધાકીય કામ માટે પૈસાની જરૂરત હોય જેથી તા.15/07/2022 ના રોજ નાના મૌવા રોડ પર આવેલ મની પ્લસ શરાફી મંડળી ધરાવતા અલ્પેશ દોંગા પાસેથી રૂ.21 લાખ માસિક 2 ટકા વ્યાજે લીધેલ હતા. વ્યાજે આપેલ રકમની સામે સિક્યુરીટી પેટે જમીનનો પેન્ડીંગ દસ્તાવેજ કરી આપવાનું કહ્યું હતું.
અલ્પેશએ પ્રથમ રૂ.5 લાખ રોકડા આપેલ હતા. અલ્પેશના કહેવાથી તા.27/03/2022 ના વાંકીયા ગામની સ.નં. 119 ની ખેતીની જમીન હે.આ.ચોમી. 2-71-34(આશરે 17 વીઘા)નો નૈમિશ રામાણીને સિક્યુરીટી પેટે પેન્ડીંગ દસ્તાવેજ કરી આપેલ હતો. નૈમિષએ દસ્તાવેજમાં જણાવેલ રકમ રૂ.6.51 લાખનો ચેક આપેલ હતો.દસેક દિવસ બાદ અલ્પેશએ પોતાની ઓફીસે બોલાવી રૂ.9.49 લાખ રોકડા આપેલ હતા.જે રકમ ઉપર ત્રણેક મહિના સુધી માસિક 2 ટકા લેખે વ્યાજ ચુકવેલ હતું. બાદ તેઓને વ્યાજની રકમ ચુકવી શકતો ન હોય જેથી તમારા માલીકને કહેજો આ જમીન મેં લઇ લીધેલ છે હવે જમીન ઉપર પગ મુકે નહિ તેવી ધમકી આપેલ હતી. ત્યાર બાદ જાણવા મળેલ કે, તા.30/06/2024 ના નૈમિષે ફરિયાદીની માલીકીની જમીન કોઈ પુરીબેન જીવણ ભરવાડને વેંચી નાંખેલ હોવાનું ધ્યાન ઉપર આવેલ જે બાબતે બંને શખ્સોને અવાર-નવાર વાત કરતા તેઓએ કહેલ કે, તમે રૂ.70 લાખ ચૂકવેલ નથી, જેથી જમીન વેંચી નાખેલ છે, જો તમારે જમીનનો દસ્તાવેજ કરવો હોય તો રૂ.70 લાખ આપો તે અમારા માણસો છે તમને દસ્તાવેજ કરી આપશે તેમ જણાવેલ હતુ.
ત્યારબાદ ભુરો ભરવાડ એકાદ બે વખત જમીન ખાતે આવેલ અને પોતાના સગા નારણ ભરવાડએ જમીન ખરીદી લીધેલ છે અને તેનો દસ્તાવેજ પુરીબેનના નામે કરી લીધેલ છે, તેમ વાત કરી પોતાને જમીન ખાલી કરાવવાનો હવાલો નારણ ભરવાડે આપેલ હોવાનું કહી અવાર-નવાર જમીનનો કબ્જો ખાલી કરી આપવા ધમકીઓ આપતો હતો.જેથી અલ્પેશ દોંગા અને નૈમિષ રામાણીએ મંડળી રચી ધ્રોલના ભુરાભાઇ ભરવાડ અને મોરબીના નારણ ભરવાડ અને પુરીબેન ભરવાડને સાથે રાખી ફરિયાદીની જમીન ચાઉં કરી જવાનાં કિસ્સામાં તાલુકા પોલીસે મની લેન્ડિંગ એક્ટ, છેતરપિંડી સહીતની કલમો હેઠળ ગુનો નોંધી તમામની શોધખોળ શરૂ કરી છે. હાલ મામલાની તપાસ પીઆઈ ડી. એમ.હરિપરા ચલાવી રહ્યા છે.