RAJKOT,તા.26
રાજકોટની ભાગોળે આવેળા શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસો.માં આવેલ યુનિટમાં સાથે કામ કરતા વ્યાજખોર પાસેથી પિતાની સારવાર અર્થે રૂ. 75 હજાર દસ ટકા વ્યાજે લીધા બાદ બે માસ સુધી વ્યાજ ચૂકવ્યા બાદ દર મહિને કમ્મરતોડ વ્યાજ ચૂકવી શકવા સક્ષમ નહિ હોવાથી વ્યાજ માફ કરી મુદ્દલ લઇ લેવા યુવકે જણાવતા વ્યાજ અને મુદ્દલ બંને આપવું જ પડશે નહીંતર શાપરમાં નોકરી નહિ કરવા દઉં તેવી ધમકી આપનાર વ્યાજખોર વિરુદ્ધ શાપર પોલીસમાં મની લેન્ડિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. રાજકોટ રહેતા અને શાપર નોકરી કરતા યુવકે ત્રણ માસ પુર્વે તેના પિતાની તબીયત લથડતા સારવાર માટે પૈસાની જરૂરીયાત ઉભી થતા સાથી કર્મચારી પાસેથી રૂ.૭૫ હજાર વ્યાજે લઈ બે માસ સુધી વ્યાજ ચુકવ્યું છતાં વધુ રૂ.૭૦ હજારની માંગણી કરી ધાક-ધમકી આપ્યાનો શાપર પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
રાજીવનગર સોસાયટીમાં રહેતા જીતેન્દ્રસિંહ બળવંતસિંહ વાઘેલાએ શાપર પોલીસમાં પારડી ગામના દીવ્યેશ ભરતભાઈ સરવૈયા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં ત્રણ મહિના પુર્વે તેના પિતા બિમાર પડતા સારવાર માટે રૂ.૭પ હજારની જરૂરીયાત ઉભી થતા તેની સાથે નોકરી કરતાં દીવ્યેશને વાત કરતા વ્યાજખોરે કહ્યું કે હું તને રૂ.૭૫ હજાર આપુ પણ તારે મને એક મહિનાના રૂ.૭૫૦૦ વ્યાજ ચુકવવું પડશે જેથી તેને પૈસાની જરૂરત હોવાથી તે સહમત થયા હતા. બાદમાં બે મહિના સુધી રૂ.૧૫ હજાર વ્યાજ ચુકવ્યું હતું.બાદમાં વ્યાજખોરને વ્યાજ ચુકવી ન શકો હોવાથી તે મારી પાસે આવેલ અને કહ્યું કે પૈસા નહીં આપે તો શા૫૨માં નોકરી નહી કરવા દવ જેથી તેણે કંટાળી નોકરી મુકી દીધેલ હતી. બાદમાં રાજકોટ કામ ચાલતું ન હોય જેથી ફરી તે શાપર નોકરી કરવા ગયો ત્યારે વ્યાજખોર સાથે વાત કરી રૂ.૭૫૦૦૦ના રૂ.૭૦ હજાર આપવાના અને દર મહિને રૂ.૭૫૦૦નો હપ્તો આપવાનું નકકી કરી સમાધાન કર્યું હતું. બે મહિનાનું વ્યાજ ચુકવેલ છતાં વ્યાજખોરે મુળ રકમ અને દર મહિને વ્યાજની માંગણી કરી ધમકી આપતો હોવાથી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વ્યાજખોરની શોધખોળ હાથ ધરી છે.