Gujarat, તા. 26
આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરાઇ છે ત્યારે આજે પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સતત ચોથા દિવસે ધાબડિયુ હવામાન રહ્યું હતું અને નલિયા, રાજકોટ, ભુજને બાદ કરતા સર્વત્ર ઠંડી સાવ સામાન્ય રહેવા પામી હતી.
આજે સવારે નલિયા ખાતે 9.8 ડિગ્રી, રાજકોટમાં 11 ડિગ્રી અને ભુજમાં 10.9 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે ઠંડીનો ચકારો રહેવા પામ્યો હતો. જયારે અમદાવાદમાં 18.6, અમરેલીમાં 13.6, વડોદરામાં 19, દમણમાં 16.8, ડિસામાં 15.3, દિવમાં 13.2, દ્વારકામાં 16.4, ગાંધીનગરમાં 17.6, કંડલામાં 14.8, ઓખામાં 17.6, પોરબંદરમાં 14.6, સુરતમાં 18.4 તથા વેરાવળમાં 15.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.
જામનગરમાં વાદળછાયા વાતાવરણમાં શિયાળાની તિવ્ર ઠંડી વચ્ચે વેગીલો વાયરો ફુંકાતા વાતાવરણ ઠંડુગાર બન્યુ છે. લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી વચ્ચે શિતલહેરોના સકંજાના કારણે સવારે અને સાંજે વાતાવરણ ટાઢુબોળ રહેતા જનજીવન પ્રભાવિત થયુ હતુ. લગભગ 6.5 કિ.મિ.ની ઝડપે પવન ફુંકાતા શહેરીજનોએ તિવ્ર ઠંડી સાથે બર્ફીલા માહોલનો અહેસાસ કર્યો હતો.
છેલ્લા કેટલાક દિવસોથી તિવ્ર ઠંડીનુ સામ્રાજય છવાયુ છે.લઘુતમ તાપમાન 16 ડિગ્રી જયારે મહતમ તાપમાનો પારો 23 ડિગ્રી પર રહયો હતો. બીજી બાજુ ભેજનુ પ્રમાણ વધી 72 ટકા રહયુ હતુ. જયારે પવનની ગતિ 6.5 રહી હતી.
શિતપ્રકોપની અસર શહેરના જુદા જુદા સતત -ધમધમતા રાજમાર્ગો પર રાત્રીના પગરવ સાથે પાંખી ચહલ પહલ જોવા મળી હતી.ખાસ કરી સાંજે શહેરમાં ગરમ પીણાનુ વેચાણ કરતા દુકાનદારોને ત્યાં ખાસ્સો તડાકો જોવા મળ્યો હતો.
જયારે ભાવનગરમાં 24 કલાકમાં લઘુતમ તાપમાન ચાર ડિગ્રી ઉચ્ચકાતા ઠંડીની તીવ્રતામાં ઘટાડો નોંધાયો છે. બુધવારે ભાવનગરનું લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી હતું તે આજે ગુરુવારે વધીને 17. 0 ડિગ્રી એ પહોંચતા ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આજે સવારે ભાવનગર શહેરમાં ભેજનું પ્રમાણ 54% હતું અને સવારે પવનની ઝડપ 6 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.