૨૪૦૬૦ બોટલ શરાબ બે વાહન મળી રૂા.૯૦.૩૧ લાખના મુદામાલ સાથે બાળ આરોપી ઝડપાયો : બુટલેગર સહિત ૧૦ સામે ફરીયાદ
Rajkot, તા.૨૬
રાજકોટ-ચોટીલા ધોરી માર્ગ પર આવેલ નાની મોલડી ગામની સીમમાં વિદેશી દારૂના કટીંગ વેળાએ ચોટીલા પોલીસે દરોડો પાડી રૂા.૬૫.૨૯ લાખની કિંમતનો ૨૪ હજાર બોટલ વિદેશી દારૂ સાથે બાળ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે બે વાહનો મળી રૂા.૯૦.૩૧ લાખનો મુદામાલ કબ્જે કરી નાસી છૂટેલા બૂટલેગર સહિત ૧૦ શખ્સો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ વિગત મુજબ ૩૧ ડીસેમ્બર પૂર્વે બુટલેગરો દ્વારા દારૂની રેલમછેલમ કરવામાં આવતી હોવાની સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા ડોકટર ગીરીશ પંડયાને મળેલી માહિતીના આધારે જીલ્લામાં પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ હાથ ધરવા આપેલી સુચના પગલે ચોટીલા પોલીસ મથકના પી.આઈ. એચ.જી.ગોહીલ સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ. ત્યારે બરવાળા તાલુકાના ખાંભડા ગામનો મુન્નાભાઈ અમકુભાઈ ખાચર નામનો બુટલેગર નાની મોલડી ગામની સીમમાં પીબી૫એપી-૮૦૪૯ નંબરના કન્ટેનરમાંથી વિદેશી દારૂનુ કટીંગ થતુ હોવાની મળેલી બાતમીના આધારે પી.એસ.આઈ. હરપાલસિંહ ગોહીલ અને બી.એન.દિવાન સહિતના સ્ટાફે દરોડો પાડી રૂા.૬૫.૨૯ લાખની કિંમતની ૨૪ હજાર બોટલ વિદેશી દારૂ સાથે બાળ આરોપીની ધરપકડ કરી રૂા.૯૦.૩૧ લાખનો મુદામાલ કબજે કર્યો છે.
ઝડપાયેલા બાળ આરોપીની પુછપરછ આ દારૂનો જથ્થો મુન્નાભાઈ ખાચરે મંગાવ્યો હોવાની અને રણજીત મુન્ના, કિશોર વિજા, વિશાલ કોળી, સુરેશ મારવાડી અને દારૂનો જથ્થો મોકલનાર મળી ૧૦ શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.