Rajkot,તા.27
સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય રાજકોટ ખાતે શ્રીનિવાસ રામાનુજન જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી માટે શાળામાં ગણિત મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના ધોરણ ૦૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓએ ૯૪ જેટલા પ્રોજેક્ટ રજૂ કર્યા હતા.
આ પ્રોજેક્ટમાં વિવિધ ગાણિતિક મોડેલ્સ,ચાર્ટ, 3D મોડેલ, ઘન પદાર્થોના વર્કિંગ મોડેલ્સ,ગણિત ગમ્મત ,કોયડાઓ વગેરે વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયા હતા. વિદ્યાર્થીઓ દ્વારા શ્રીનિવાસ રામાનુજનના જીવન અંગેની માહિતી સુંદર ચાર્ટ દ્વારા બતાવવામાં આવી હતી. વૈદિક ગણિતની રીતે ઝડપી ગણતરી કરવાની જુદી જુદી રીતો પણ વિદ્યાર્થીઓએ ચાર્ટ દ્વારા પ્રદર્શિત કરી હતી. દરેક વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ અને પ્રથમ ત્રણ પ્રોજેક્ટને ઈનામ આપી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલક શ્રી જનમંગલદાસજી સ્વામી કે દરેક પ્રોજેક્ટનું નિદર્શન કરી બાળકોનો ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ ગણિત મેળાનું આયોજન શાળાના ગણિત શિક્ષક કિશોરભાઇ ફુલતરીયા દ્વારા શાળાના પ્રાર્થનાખંડમાં કરાયું હતું. જ્યારે પ્રોજેક્ટ મૂલ્યાંકન કામગીરી હિતેશ ભુંડિયા સર, રમેશભાઈ ગોહેલ સર અને નવનીત ફીણવીયા સર દ્વારા કરવામાં આવી હતી.ગણિત મેળાના આયોજન અંગે શાળાના આચાર્યશ્રી દવે સાહેબ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.