Rajkot,તા.૨૭
હાલમાં જ રાજકોટ પોલીસની એસઓજી ટીમે ભાવનગર રોડ પર રિક્ષામાં નશીલા પદાર્થ સાથે બેઠેલા બે શખ્સને ઝડપી પાડ્યા છે. આોરોપીઓ પાસેથી લાખોની કિંમતનો ચરસનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ પોલીસની એસઓજી ટીમને માહિતી મળી હતી કે, ભાવનગર રોડ પર શાળા નં. ૧૩ પાસે રિક્ષામાં બેઠેલા બે શખ્સ પાસે માદક પદાર્થનો જથ્થો છે. જેથી બાતમી મળતાં જ પીઆઇ સંજયસિંહ જાડેજા સહિતની ટીમ સ્થળ પર દોડી ગી હતી. પોલીસે રીક્ષાની તપાસ કરતા શંકાસ્પદ માદક પદાર્થનો જથ્થો મળ્યો હતો.એફએસએલ નિષ્ણાતને બોલાવતા તેમણે આ જથ્થો ચરસનો હોવાનું સ્પષ્ટ કરી દીધું હતું.
રાજકોટ પોલીસે રૂ. ૫,૯૪,૭૫૦ની કિંમતનો ૩.૯૬૫ કિલોગ્રામ ચરસ, બે મોબાઇલ અને રિક્ષા સહિત કુલ રૂ.૬,૫૯,૭૫૦ નો મુદ્દામાલ જપ્ત કરી રિક્ષામાં બેઠેલા લલૂડી વોંકળી પાસે રહેતા ૩૨ વર્ષીય શબ્બીર સલીમ શેખ અને સહકાર મેઇન રોડ પર કલ્યાણ હોલ નજીક રહેતા ૩૦ વર્ષીય અક્ષય કિશોર કથરેચાની ધરપકડ કરી હતી. ચરસનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા તે મુદ્દે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો.