પુ.મોરારિબાપુ રામચરિત માનસમાં સંગ્રહાયેલું રામ નામનું રામ સત્ય લઈને સમગ્ર વિશ્વમાં મંગલ વિહાર કરી રહ્યાં છે.તેનો પડાવ ભારત અને અન્ય સ્થળો ઉપર જ્યાં જ્યાં ખોડંગાય છે તે પ્રદેશ પોતાની આભા સ્થંભિત કરતો અનુભવાય છે.આવા જ ક્રમમાં તાજેતરમાં દક્ષિણ ભારતના તંજાવુર પ્રદેશમાં ‘ભજ લે રામ’નો સાદ સૌના જીવનને ભર્યું ભર્યું કરી રહ્યો છે.
તમિલ પ્રજા શિવ ભક્તિમા સંપૂર્ણ સમર્પિત હતી ને છે.તે તેમના કાર્યો અને જીવન પરથી આજે પણ અનુભવાય રહ્યું છે.તમિલનાડુ- તમિલ પ્રજાના વસવાટ દરમિયાન લગભગ શિવ મહાઅવતારના મંદિરોના નિર્માણ અને સ્થાપત્ય માટે પોતાના હાડચામને ગાળી નાખ્યા હોય તેનો અનુભવ ત્યાં જનારને ન થાય તો જ નવાઈ! મોરારિબાપુ આ પ્રદેશને શિવબ્રહ્મ,રામ સત્યનું મહાત્મ્ય ભજ લે રામના સાદથી સૌની શ્રવણ શક્તિને લીધે તેની અમૃતવાણીનો અભિષેક કરી રહ્યા છે.
તંજાવુરની વાત કરવી હોય તો સૌથી પહેલા તન્જા એટલે તમિલમાં તેનો અર્થ થાય છે પાણી અને ઉર એટલે પ્રદેશ. આ પ્રદેશે પાણીનો પ્રદેશ છે. કાવેરી નદીના તટ પર સ્થિત આ નગર આજે પણ પાણીની નિર્મળતા જેવા ગુણીયલ નગરજનોની છાપથી સૌને પ્રેમ પલ્લવિત કરે છે.
તંજાવુર એટલે એ પરગણું જ્યાં મંદિરો પોતાના ઇતિહાસને છાતીમાં ધરબીને આજે પણ ક્ષણની સાક્ષી રૂપે ધ્વજ દંડ થઈને ઊભા છે. આ શહેરનું બૃહદેશ્વર મંદિર જેને આ પ્રજા બીગ ટેમ્પલ તરીકે ઓળખે છે. અહીં ભગવાનને સ્વામી તરીકે સંબોધન કરવામાં આવે છે. આ મંદિર અનેક રીતે પોતાની ભવ્યતાઓને સાચવીને આજે પણ અડગ, સ્થિતપ્રજ્ઞ છે. 1003 થી 1010 ની ઈસવીસન સાલો વચ્ચે નિર્માણ પામેલું ભારતનું સૌથી વધુ ઊંચાઈ ધરાવતું મોટું હિન્દુ મંદિર છે. ચેન્નઈ થી તેનું અંતર 350 કિલોમીટર છે.તેના શિખરનું મીંડું 80 ટનની એક શીલાથી કોતરગામ કરવામાં આવી આવેલું છે.12 ફૂટનું શિવલિંગ છે, મંદિરની ઊંચાઈ 217 ફૂટ છે અને લગભગ 44 એકર એટલે અંદાજે 125 વીઘામાં તે ફેલાયેલું છે. ચોલ રાજાની વાસ્તુકલાનું તે સાક્ષી રૂપ છે તેમના શિલાલેખો ગ્રેનાઈટના પથ્થરો પર આજે પણ તમિલ ઈતિહાસની ગવાહી તમિલ ભાષામાં પૂરી રહ્યા છે. નંદી મંડપનો નંદી પણ નવ ફૂટથી વધારે ઊંચાઈ ધરાવતો એક જ શીલામાંથી બનાવેલો મને દેખાયો. મંદિર વિશેની એક માન્યતા મુજબ લોક સમુદાય કહે છે કે તેનો પડછાયો દેખાતો નથી. પરંતુ તેને વૈજ્ઞાનિક કોઈ આધાર મળતો નથી, તે પણ એક સત્ય છે. આ મંદિરના સમગ્ર વિસ્તારમાં લગભગ 8 જેટલા નાના બીજા મંદિરો આવેલા છે. મંદિરની ચારે તરફ ખુલ્લી જગ્યા અને વિશાળ એવા કોતરણી કામવાળી કમાનો સાથેના પ્રવેશદ્વાર પણ છે. તેથી આ મંદિર પ્રવાસીઓના આકર્ષણનું બિંદુ બને તે સ્વાભાવિક છે. તમને તમિલનાડુમાં શિવ મહિમાના સાક્ષી બનવા અને માળા જપવા માટે આ મંદિરના દર્શન જરૂર દુર્લભ લાગશે.
હું બાજુમાં આવેલા કુંભકોણમ નામના શહેરમાં ગયો.તે શહેર તંજાવુર થી 40 કિલોમીટર ચેન્નઈ તરફ મંદિરોની અને તળાવની વિરાસતની છાપ ધરાવે છે. અહીં પણ મેં જોયું કે બ્રહદેશ્વર મંદિર જેવું જ ભવ્ય બીજુ મંદિર એરાતેશ્વર ટેમ્પલ શિવ અવધૂતીથી અભિભૂત કરે છે. તો વળી ત્યાંના શિવના બીજા સરનામાઓ તમને નાગેશ્વર, કાશી વિશ્વનાથ, આદિ કુંભેશ્વર વગેરેઞા દર્શન થઈ શકે છે કાશી વિશ્વનાથ પાસે 12 વર્ષે કુંભ મેળો થાય છે. પરંતુ આ મેળો કદાચ અહીંના સ્થાનિક લોકો માટે મહત્વ ધરાવતો હોય તેવો મેળો હોઈ શકે. તો વળી વિષ્ણુ ભગવાનના મંદિરો સારંગપાણી એટલે કે સુતેલા વિષ્ણુ ભગવાન જે પદ્મનાભમાં જોવા મળે છે તેની જ પ્રતિકૃતિ અહીં પણ છે. ચક્રપાણી પણ તેનું જ સ્વરૂપ છે. તો રામા સ્વામી ટેમ્પલ ભગવાન રામના દર્શનથી સત્ય સુધી લઈ જવાનો માર્ગ કંડારે છે.આ સિવાય ત્રિચીનાપલ્લી થી શરૂ કરીને કોઈમ્બતુર હોય કે પછી અન્ય કોઈ સ્થળો હોય તમામ જગ્યા ઉપર તમને અનેક મંદિરો પોતાના સ્થાપત્ય વૈભવથી રળિયાત છે.
તમિલ પ્રજા શાંત દેખાઈ રહી છે. ગરીબીનું પ્રમાણ પણ માત્રામાં ઘણું છે. પણ તેમના ચહેરા ઉપર કોઈ ખાસ આક્રમકતા કે પછી શોર્ય દેખાતું નથી.દરેક શહેર સ્વચ્છતાનું મિશન જીવન બનાવીને ચલાવી રહ્યું છે. ગટરો ભલે ખુલ્લી હોય પરંતુ રસ્તાઓ અને સાફ સુથરા, જાહેર સ્થળો જોઈને અહીં પ્રજાને સલામ કરવાનું મન થઈ આવે! પબ્લિક ટ્રાન્સપોર્ટની બસોમાં મહિલાઓને મફત મુસાફરીનો લાભ મળી રહ્યો છે.પુરુષ પોશાક એક જમાનામાં લુંગી અને અંગરખું હતો.પરંતુ હવે આધુનિકતા દેખાઈ રહી છે. સ્ત્રીઓના પોશાકો પણ સાંપ્રતની સાથે બદલાઈ ગયા છે. તમિલ ભાષા પરનો પ્રેમ આજે પણ એટલો જ આક્રમક છે અને હિન્દીનો નિષેધ જરૂર છે પરંતુ વિરોધ દેખાતો નથી. શિક્ષણનું પ્રમાણ પણ અન્ય રાજ્યોની સરખામણીમાં હરોળ બંધ ઊભા રહી શકાય તેવું દેખાય રહ્યું છે.અહી અત્યારે પોંગલ તહેવારને અનુલક્ષીને દરેકનાં ધર રંગોળીથી સુશોભિત દેખાય છે.14 જાન્યુઆરી સુધી તે ચાલશે તેમ જાણવા મળે છે.મંદિરોમા ખૂબ ભીડ છે કારણકે અહીં આ સમયે રખે વધું યાત્રા કરતા હોય!
પૂ. મોરારિબાપુએ કથા હિન્દીમાં ગાઈ સંભળાવી છે પરંતુ એના સ્થાનિક લોકો આ ભાષાથી પરિચિત ન હોવાના કારણે કોઈ ખાસ પ્રમાણમાં કથા લાભ તે મેળવી શકતા નથી. પરંતુ ઉત્તર ભારતના જે લોકોનો અહીં વસવાટ છે તેઓ કથા ગંગામાં ગોતું જરૂર લગાવી રહ્યા છે. બાપુએ સમગ્ર તામિલનાડુમાં અત્યાર સુધીમાં 22 કથાઓનું ગાન કરીને આ પ્રદેશની ધાર્મિકતાને રામનામનો સુગંધી લેપ લગાડવાનું બેનમુન કાર્ય કર્યું છે.આજે પણ ‘ભજ લે રામ’નો નારાથી સડકો ગાજી રહી છે.
આ ભગવદ કાર્ય માટે શબ્દોની કિંમત હંમેશા મહાન રહેતી હોય છે. પરંતુ તો પણ અહીં માત્ર વંદન કરીને રામ સત્ય વધુ ધારદાર કરવા તેમની પ્રસ્વેદ સુગંધને વારંવાર નમન હો.
-તખુભાઈ સાંડસુર