Rajkot,તા.28
રાજકોટ જ નહી પણ હવે ગુજરાતની શાન ગણાતા અને રાષ્ટ્રીય કક્ષા એ પ્રચલિત થયેલ એવા નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવતા સપ્તસંગીતિ સંગીત સમારોહ છેલ્લા ૦૮ વર્ષોથી સંગીતપ્રેમીઓ અને કલાની પારખુ જનતાને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતથી તરબોળ કરી રહેલ છે. આ મંચ ઉપર શ્રોતાઓને દેશના નામાંકિત કલાકારો સાથે દેશના વિવિધ ભાગોમાંથી આવતા ઉભરતા યુવા કલાકારોને પણ કલા રજુ કરવાની, તેમજ શાસ્ત્રીય સંગીત શીખતા વિદ્યાર્થીઓને કલાકારોને મળવાની તેમજ શીખવાની સુવર્ણ તક આપે છે. આ વર્ષે “સપ્તસંગીતિ ૨૦૨૫” ના મંચ ઉપર બિરાજમાન થનારા યુવા પ્રતિભાવંત કલાકારોનો સંક્ષિપ્ત પરિચય જોઈએ.
જાન્યુઆરી ૦૨ થી ૦૮, ૨૦૨૫ દરમિયાન આયોજીત આ સમારોહમાં તા. ૦૨ જાન્યુઆરીના રોજ અમદાવાદમાં યોજાતા સપ્તક સંગીત સમારોહના સ્થાપક અને સંચાલક તથા સપ્ત સંગીતિના માર્ગદર્શક સ્વ. વિદુષી મંજુબેન મહેતાનું તાજેતરમાં અવસાન થયેલ છે તેમને શ્રદ્ધાંસુમન અને અંજલી અર્પણ કરવામાં આવશે. જેમાં સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિકના વિદુષી મંજુબહેનના આઠ શિષ્યોનું વૃંદ સિતારવાદન, સંતુરવાદન અને તબલાવાદન પ્રસ્તુત કરશે અને તેમના ગુરુ વિદુષી મંજુબહેન મહેતાને ભાવાંજલિ આપશે. તા. ૦૩ જાન્યુઆરીને બીજે દિવસે કાર્યક્રમના પ્રથમ ચરણમાં પતિ-પત્નીની પ્રખ્યાત જોડી એવા શ્રી નંદીની શંકર અને શ્રી મહેશ રાઘવનનું વાયોલીન અને આઇપેડ ડ્યુઓ માણવા મળશે. પ્રખ્યાત વાયોલિન વાદિકા ડો.એન રાજમ જીના પૌત્રી નંદિની શંકર વાયોલિન પર હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત અને ફ્યુઝન મ્યુઝિક રજૂ કરશે. તેણીએ ફકત ત્રણ વર્ષની ઉંમરે સંગીતની તાલીમ મેળવવાનું શરૂ કર્યું અને માત્ર આઠ વર્ષની ઉંમરે જાહેર કાર્યક્રમ આપવાની શરૂઆત કરી હતી. તેમણે માસ્ટર ઇન મ્યુઝિકની સાથે સાથે સી.એ. નો અભ્યાસ પણ કર્યો છે. તેણીએ યુ.એસ.એ, કેનેડા, જર્મની અને ન્યુઝીલેન્ડ વગેરે દેશો કલા પ્રસ્તુત કરી છે. તેણી ભારતના પ્રથમ ઓલ ગર્લ બેન્ડ સખીના કલાકાર રહી ચૂક્યા છે. તેમણે વિદુષી કૌશિકી ચક્રવર્તી સાથે અનેક કાર્યક્રમો આપ્યા છે. હાલમાં તેઓ નિયમિત રીતે મહેશ રાઘવનજી સાથે પણ વાયોલિન જુગલબંદી કરી રહ્યા છે. આ ઉપરાંત તેમના નાનીમા, માતુશ્રી અને બહેન રાગીની સાથે મળીને થ્રી જનરેશનસ ઓફ વાયોલિનના અનેક કાર્યક્રમમાં કલા પ્રસ્તુત કરેલી છે. તેમની સાથે તેમના પતિ અને સાઉથ ઈન્ડિયામાં એક આયકોનિક કલાકાર તરીકે નામના ધરાવનાર શ્રી મહેશ રાધવન આઈપેડમાં સાથ આપશે. શ્રી મહેશ રાધવન કર્ણાટકી અને હિંદુસ્તાની બન્ને શાસ્ત્રીય સંગીત શૈલી સાથે ફ્યુઝન સંગીતમાં પણ મહારથ ધરાવે છે. તેમણે એમ.એસ.સી ઈન ડિજીટલ ક્મ્પોઝીશન એન્ડ પર્ફોર્મન્સનો અભ્યાસ યુ.કે. થી કરેલો છે. તેમણે રંજની-ગાયત્રી, અરુણા સાઈરામ, ઉન્નીક્રીશનન તથા એમ.બી. સુબ્રમણ્યમ જેવા કલાકારો સાથે કલા પ્રસ્તુતિ કરી છે. તેઓ સોશિયલ મીડિયા પર છ લાખથી પણ વધુ ફેન ફોલોઇંગ ધરવાનાર યુથ આયકોન છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ દિવસે કાર્યક્રમના બીજા સેશનમાં ડો. સાજન મિશ્રા અને તેમના પુત્ર સ્વરાંશ મિશ્રા સાથે રાજકોટના જાણીતા કલાકારો પલાશ ધોળકિયાને હાર્મોનિયમવાદનમાં અને નીરજ ધોળકિયાને તબલાવાદનમાં સાથ નિભાવવાની સુવર્ણ તક પ્રાપ્ત થઈ છે જે રાજકોટ માટે ગૌરવની બાબત છે.
તા. ૦૪ જાન્યુઆરીના રોજ એટલે કે કાર્યક્રમના ત્રીજા દિવસે પ્રથમ સેશનમાં મનિષ વ્યાસ ટ્રુપના ફ્યુઝન સંગીતની મજા માણવા મળશે. જેમાં મનિષ વ્યાસ સાથે મોટાભાગના રાજકોટના યુવા કલાકારો ધરાવતું આ ગ્રુપ પોતાના વાદ્યો સાથે યુવાવર્ગને કલાનું રસપાન કરાવશે. ભારતીય સંગીત પ્રત્યે ચાહના ધરાવતા રાજકોટના પરિવારમાં જન્મેલા મનિષ વ્યાસની ભારતીય ફ્યૂઝન સંગીતની દુનિયામાં એક અનોખી ઓળખ છે. તેઓ ગાયક, સંગીતકાર અને મલ્ટી ઇન્સ્ટ્રુમેન્ટાલીસ્ટ ક્ષેત્રમાં એક સારા કલાકાર તરીકે ઊભરી આવ્યા છે. તેમણે ગાયનની તાલીમ પંડિત જસરાજજીના વરિષ્ઠ શિષ્ય પં. રતન મોહન શર્માજી પાસે પ્રાપ્ત કરી છે. તેઓ શાસ્ત્રીય સંગીત, ભક્તિ સંગીત, સુફી અને લોકસંગીતમાં સારી પકડ ધરાવે છે. નવ વર્ષની ઉંમરે તેમણે મુંબઈમાં તબલાની તાલીમ શ્રી જીંદે હસન સાહેબ પાસેથી અને ત્યારબાદ ઉસ્તાદ અલ્લારખા ખાન સાહેબ પાસે મેળવી છે. આ ઉપરાંત તેઓ હાર્મોનિયમ અને સંતુરવાદનમાં પણ ઊંડો રસ ધરાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી મનિષ વ્યાસ વર્ષોથી સ્વિત્ઝરલેન્ડ સ્થાયી છે, પરંતુ સપ્તસંગીતિના કાર્યક્રમમાં આમંત્રણને માન આપી રાજકોટ આવી રહ્યા છે. તેમની સાથે ગ્રુપમાં કીબોર્ડ પર શ્રી હિરેન દવે, બાઝ ગિટાર પર શ્રી હિરેન પીઠડીયા, ફ્લૂટ પર શ્રી મેહુલ ધંધુકિયા, તબલા પર શ્રી હાર્દિક કાનાણી, ઢોલક પર શ્રી રાજેશ લિંબાચિયા, પરકશન પર શ્રી કેયુર બુધદેવ, વોકલ પર શ્રી ઋષિકેશ પંડ્યા, પ્રિયંકા શુક્લ અને હિના સુતરીયા સાથ આપશે.
તા. ૬ જાન્યુઆરીને પાંચમા દિવસે પ્રથમ ચરણમાં ડો.દુલારી માંકડનું શાસ્ત્રીય કંઠય સંગીત માણવા મળશે. તેઓ સ્વ. શારદાબેન રાવના વરિષ્ઠ શિષ્યા હતા. તેમણે અલંકારની તાલીમ શ્રીમતી પિયુ બહેન સરખેલ પાસેથી મેળવી છે. ડો. દુલારી એ શાસ્ત્રીય ગાયનની તાલીમ ટોપ રેન્ક સાથે અર્જુનલાલ હીરાણી કોલેજમાંથી ડો. જયભાઈ સેવક પાસે લીધી છે. તેણી ગાયન, વાદન અને નૃત્ય ત્રણેય કલામાં જ્ઞાન ધરાવે છે. હાલમાં દેશ-વિદેશના તેઓ ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી તાલીમ આપી રહ્યા છે. તેમની સાથે તબલામાં માસ્ટર અને ગાયનમાં અલંકારની પદવી પ્રાપ્ત કરી છે તેવા યુવા કલાકાર અને અનુજ બંધુ શ્રી દર્શન માંકડ તબલાવાદનમાં સાથ આપશે. ડો. દુલારી માંકડની ગાયકીમાં હાર્મોનિયમ વાદનમાં ડો. કુમાર પંડયા સાથ આપશે. ડો. પંડયા એ હાર્મોનિયમ વાદનમાં સ્નાતક, અનુસ્નાતક અને પી.એચ.ડી ની તાલીમ ડો.જયભાઈ સેવક અને હિરાણી કોલેજ ના ભૂતપૂર્વ પ્રિન્સિપલ શ્રી ડો.ચંદ્રકાંત હિરાણી પાસેથી મેળવી છે. તેઓ શાસ્ત્રીય કંઠય સંગીતમાં પણ વિશારદ છે.
સપ્ત સંગીતિના છટ્ઠા દિવસે એટલે કે તા. ૦૭ જાન્યુઆરીના રોજ શ્રી વર્ણા જય સેવક દ્વારા શાસ્ત્રીય કંઠય સંગીત રજૂ કરવામાં આવશે. વર્ણાએ શાસ્ત્રીય સંગીતની શિક્ષા નાનપણથી જ દાદાશ્રી પં. અરુણકાંત સેવક, પં. હરિકાંતભાઈ સેવક તેમજ પિતાશ્રી ડો. જય સેવક પાસેથી મેળવી છે. પ્રાથમિક શિક્ષા શ્રી શરદ દવે પાસેથી મેળવી. તેણીએ શાસ્ત્રીય ગાયનની સ્નાતકની પદવી શ્રી અર્જુનલાલ હિરાણી કોલેજ, રાજકોટ અને અનુસ્નાતકની પદવી બરોડા મ્યુઝિક કોલેજમાંથી હાંસલ કરી છે. આ ઉપરાંત રાજકોટના જાણીતા નૃત્યાંગના શ્રીમતી પલ્લવી વ્યાસ પાસેથી કથક વિશારદની પદવી પ્રાપ્ત કરી છે. તેણીએ યુવક મહોત્સવમાં શાસ્ત્રીય ગાયનમાં રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમાંક, તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલમા શાસ્ત્રીય કંઠ્યમા પ્રથમ અને વેસ્ટર્ન વોકલ સોલોમાં બે વખત પ્રથમ સ્થાન મેળવેલ છે. હાલ વર્ણા સંગીત શિક્ષક તરીકે કાર્યરત છે. તેમની સાથે તબલાવાદનમાં તેમના પિતા અને ગુરુ ડો. જય સેવક સાથ નિભાવશે. તેમણે શાસ્ત્રીય સંગીતની શિક્ષા પિતાશ્રી પં. અરુણકાંત સેવક તથા કાકાશ્રી પં. હરિકાંત સેવક પાસેથી મેળવી છે. શાસ્ત્રીય સંગીતમાં સ્નાતક અને અનુસ્નાતકની પદવી બરોડા મ્યુઝિક કોલેજ માંથી પ્રાપ્ત કરી છે. ત્યારબાદ મુંબઈ ખાતે આગ્રા ઘરાનાના પં. ચંદ્રશેખર રામકૃષ્ણ ભટ્ટ પાસેથી ખ્યાલ અને ધ્રુપદ ધમારની સઘન તાલીમ મેળવી છે. શાસ્ત્રીય સંગીતમાંજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ડો. ચંદ્રકાંત હિરાણીના માર્ગદર્શન હેઠળ ડોકરેટની પદવી મેળવેલ છે અને હાલ શ્રી અર્જુનલાલ હીરાણી કોલજના ગાયન વિભાગમાં એસોસિએટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. વર્ણા સેવક સાથે હાર્મોનિયમ માં ડો. કુમાર પંડયા સાથ આપશે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્યક્રમની અભુતપૂર્વ સફળતા માટે ૧૦૦ થી વધુ કર્મઠ સ્વયંસેવકો દ્વારા નીઓ રાજકોટ ફાઉન્ડેશનના ડિરેક્ટર્સના માર્ગદર્શનમાં પોતાના કામો દરેક સમિતીઓ સુંદર રીતે સંભાળી રહી છે. જેમાં નિઓ ડાયરેક્ટર્સ, કોર કમિટી, ગેસ્ટ સિટીંગ મેનેજમેન્ટ કમિટી, ગેઇટ એન્ટ્રી મેનેજમેન્ટ કમિટી, સ્ટેજ મેનેજમેન્ટ કમિટી, આર્ટીસ્ટ હોસ્પિટાલીટી એન્ડ કોર્ડિનેશન કમિટી, રીફ્રેશમેન્ટ કમિટી, મંડપ-ડેકોરેશન-લાઈટીંગ કમિટી, સાઉન્ડ એન્ડ સ્ટેઇજ વિઝયુલ કમિટી, તેમજ ડેટાબેઇઝ-પાસીસ એન્ડ રજીસ્ટ્રેશન કમિટી જેવી વિવિધ ટીમો દ્વારા ૧૦ થી વધુ નામાંકીત એજન્સીઓ સાથે સાયુજય સાધી છેલ્લા લાંબા સમયથી ઝીણવટ ભરી તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે.
સપ્તસંગીતિ સંગીત સમારોહની ખાસીયત એ છે કે આ સમગ્ર આયોજન રાજકોટના કલાપ્રેમી પેટ્રનોની દિલાવરીને આભારી છે, જેથી દર વર્ષની માફક તમામ કાર્યક્રમો શ્રોતાઓ માટે નિ:શુલ્ક રહેશે. આ વર્ષે શ્રોતાઓમાં પણ જબરો રોમાંચ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઓડીટોરીયમની ક્ષમતાને ધ્યાનમાં રાખી વહેલા તે પહેલાના ધોરણો અનુસાર સંગીત અને કલા રસીકોને પાસ દર વર્ષની માફક ડીજીટલી ઇશ્યુ કરવામાં આવી રહ્યા છે. જેની જાણ તેમના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર કરવામાં આવી રહી છે. ગત તમામ વર્ષોના આયોજનોમાં શ્રોતાઓએ પણ વ્યવસ્થામાં પૂરતો સહકાર આપીને તમામ કાર્યક્રમોને અપ્રતિમ સફળતા અપાવી છે. આ વર્ષે પણ આયોજકો રાજકોટવાસીઓને અવિસ્મરણીય કાર્યક્રમોની વણઝાર આપવા કટીબદ્ધ છે. અત્રે ફરી જણાવવું ઉચિત રહેશે કે હાલમાં નિયો રાજકોટ ફાઉન્ડેશન સંસ્થા ૨૪ સરકારી શાળાઓમાં ૮૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને ગણિત, અંગ્રેજી તથા ગુજરાતીનું નિ:શુલ્ક શિક્ષણ આધુનિક સોફ્ટવેર, ઓડીયો-વિઝયુઅલ લર્નીંગ મટીરીયલ અને ૬૦૦ થી વધુ લેપટોપ કોમ્યુટર દ્વારા શીખવવામાં આવી રહ્યું છે.