Pune,તા.31
પુણેના એક પબે એના રેગ્યુલર કસ્ટમરોને નવા વર્ષની પાર્ટી માટે મોકલેલા ઈન્વિટેશનની સાથે કોન્ડોમ અને ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશનના પેકેટ મોકલતાં જોરદાર વિવાદ થયો છે.
એજયુકેશન અને કલ્ચરલ હબ ગણાતા પુણેમાં આવી આમંત્રણપત્રિકા મોકલવાથી શહેરની ઈમેજ ખરાબ થતી હોવાથી એનો વિરોધ કરીને યુથ કોંગ્રેસે પુણેના પોલીસ કમિશનરને આ બાબતે ફરિયાદ કરી છે.
પુણેના મુંઢવામાં આવેલા હાઈ સ્પિરિટ કેફેએ ન્યુ યર પાર્ટીના ઈન્વિટેશન સાથે એક બેગ ગિફટ આપી છે જેમાં કોન્ડોમ અને ઓઆરએસનાં પેકેટ છે. મહારાષ્ટ્ર પ્રદેશ યુથ કોંગ્રેસનાં મીડીયા સેલના પ્રેસીડન્ટ અક્ષય જૈને કહ્યું કે, ‘આ રીતે કોન્ડોમ અને ઓઆરએસ પેકેટ ઈન્વિટેશન સાથે આપવાનું યોગ્ય નથી.
આ બધું પુણેની સંસ્કૃતિ સાથે મેળ નથી ખાતું. યંગસ્ટર્સમાં એનો ખોટો મેસેજ જઈ રહ્યો છે અને સમાજ પર પણ એની હાનિકારક અસર થઈ શકે છે.’ જો કે હાઈ સ્પિરિટ કેફેએ પોતાના નિર્ણયના બચાવમાં કહ્યું હતું કે, ‘અમે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે આ નિર્ણય લીધો છે.
અમે સેફટી અને સેલીબ્રેશન બન્ને સાથે કઈ રીતે થઈ શકે એનો મેસેજ આ ગિફટ મારફત લોકોને આપવા માંગીએ છીએ. આમ પણ કયા કાયદામાં લખ્યું છે કે કોન્ડોમ ગિફટ આપવું એ ગુનો છે?’
પુણેમાં દેશભરમાંથી સ્ટુડન્ટસ ભણવા આવતા હોવાથી અત્યારે ત્યાં પબ-કલ્ચર ઘણું વધી ગયું છે અને એ ત્યાંના રહેવાસીઓને નથી ગમતું. તેમણે આ પહેલાં પણ કહ્યું છે કે, આજકાલના વિદ્યાર્થીઓના પબ-કલ્ચરને લીધે શહેરની સંસ્કૃતિ બગડી રહી છે.