Rajkot, તા. 31
રાજકોટને રોજનું 40 થી 45 એમએલડી પાણી પુરૂ પાડતા અને સેન્ટ્રલ ઝોનની પાણી વિતરણ વ્યવસ્થા માટે આધાર સમાન ભાદર ડેમની રાજકોટ તરફ આવતી જર્જરીત લાઇન અવારનવાર ભાંગી રહી છે અને કોર્પો. નિયમિત રીપેરીંગ કરી રહ્યું છે ત્યારે નેશનલ હાઇવે હેઠળ આવી ગયેલી 40 વર્ષ જુની જર્જરીત લાઇન બદલવાનું મુહૂર્ત આવતું જ નથી.
ઉનાળા સહિતના દિવસોમાં આ લાઇન રોડની હેઠળ ભાંગે તો પાણીનો સતત બગાડ ચાલુ રહે અથવા હાઇવે તોડવો પડે તેવી સ્થિતિ હોય, ઓથોરીટીએ કોઇ સહકાર ન આપતા હવે સરકારનું માર્ગદર્શન માંગવા નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારની હાઇવે ઓથોરીટી સાથે પૂર્વ કમિશ્ર્નરે બે-બે મીટીંગ કરવા છતાં લાઇન શીફટીંગ સહિતની કોઇ કાર્યવાહી માટે રસ્તો નહીં નીકળતા સેન્ટ્રલ ઝોનના એક મોટા ભાગમાં પાણી વિતરણ વ્યવસ્થા પર કાયમ ચિંતા ચાલુ રહે તેવી હાલત બની ગઇ છે.
મનપા સુત્રોમાંથી મળતી વિગતો મુજબ રીબડા પાસેથી આવતી ભાદર ડેમની વર્ષો જુની આ પાઇપલાઇન બદલવા લાંબા સમયથી આયોજન કરવામાં આવ્યું છે. આ લાઇન હવે હાઇવેથી બહાર જ પાથરવી પડે તેમ છે. પરંતુ ખેતીની જમીનનું સંપાદન કરીને આ કામ કરવામાં આવે તો મોટો ખર્ચ થાય તેમ છે.
આ મોટી લાઇન શીફટીંગ યોજના પાછળ 200 કરોડનો અંદાજીત ખર્ચ છે જે પણ સરકાર આપવાની છે. પરંતુ કેન્દ્રની ઓથોરીટી અને મનપા તંત્ર વચ્ચે સંકલન ન થતા આ મામલે સરકારને જાણ કરવામાં આવી છે.
અધિકારી સુત્રો જણાવે છે કે દોઢેક વર્ષ પહેલા હાઇવે ઓથોરીટીના કોન્ટ્રાકટરે ઉપરોકત પાઇપલાઇન સીકસ લેનના કામ માટે બહાર કાઢીને વાલ્વ પણ ખેંચી કાઢયો હતો. હાલ આ લાઇન પર વિશાળ હાઇવે બની ગયો છે. આથી રોડ નીચે લાઇન ભાંગે ત્યારે પાણીનો મોટો બગાડ થતો રહે છે.
ગત વર્ષે લાઇન તૂટતા પાણી વિતરણ વ્યવસ્થા ઉપર પણ અસર પડી હતી. જેતપુર ભાદર ડેમથી આ લાઇન રાજકોટ આવે છે. અવારનવાર રીપેર કરવી પડે છે. પરંતુ લાઇન શીફટીંગ થતું ન હોય, આટલા પાણી માટે અધિકારીઓને રોજ સવારે ઉઠીને પહેલા આ લાઇનની ચિંતા કરવી પડે છે.
થોડા સમય પહેલા ગોંડલ માર્કેટ યાર્ડ નજીક ચોકડી પાસે ભાદર લાઇન તૂટતા કોર્પોરેશનની ટીમ મરામત માટે દોડી હતી. પરંતુ આ સમયે પાણીનો ફોર્સ ઘટી ગયો હતો. રાજકોટથી ભાદર ડેમ સુધીની પાઇપલાઇન પૈકી મોટો ભાગ 1989 સમયનો છે. સાડા ત્રણ દાયકા જુની લાઇન અવારનવાર લીકેજ થઇ રહી છે. ઘણી વખત પાણી ન મળવાથી લેવલ ઘટે છે અને વિતરણ પર અસર પડે છે.
રીબડાથી ઢેબર રોડ પમ્પીંગ સ્ટેશન સુધી નવી પાઇપલાઇન પાથરવા સવાસો કરોડના ખર્ચનો અંદાજ કાઢવામાં આવ્યો હતો. પરંતુ આ દિશામાં કામ શરૂ થયું નથી. આથી આ ખર્ચ હવે 200 કરોડે પહોંચે તેમ છે. હાઇવે ઓથોરીટી સાથે સંકલન કરવા પૂર્વ કમિશ્ર્નરે બે વખત મીટીંગ કરી હતી. પરંતુ તેનો કોઇ રસ્તો નીકળ્યો નથી.
34 ફુટનો ભાદર-1 ડેમ કે જેના ઓવરફ્લો થવાની સમગ્ર આતુરતાપૂર્વક રાહ જાવાતી હતી તે ડેમ આ વર્ષે પણ ઓવરફ્લો થઈ જતા રાજકોટ, જેતપુર સાંહતના પદરેક ગામોના 2ર લાખના વસ્તી પીવાના પાણાને અને 46 ગામોના ખેડૂતો નસિચાઈ માટેનો પાણીની સમસ્યા એક ઝાટક દૂર થઇ હતી. લગભગ દર વર્ષે આ ડેમ છલકાતા રાજકોટ માટે મોટા ટેકારૂપ સાબિત થાય છે.
ઇ.સ 1954મા 454.75 લાખના ખર્ચથી સિચાઇના હેતુથી બનાવેલ ભાદર ડેમ 34 ફૂટના ઉચાઈ અને 29 દરવાજા સાથે સૌરાષ્ટ્રના બીજા નબરનો સૌથી મોટો ડેમ છે. આ ડેમની પાણી સમાવવાની કુલ ક્ષમતા 6648 એમસીએફટી છે. છેલા 65 વર્ષથી અડીખમ ઊભેલ આ ડેમ અત્યાર સુધીમાં રર વખત ઓવરફલો થયો છે.
હવે આ લાઇન ફેરવવા માટે અને નવી કામગીરી માટે રાજય સરકાર ઓથોરીટી અને કોર્પો. વચ્ચે સંકલન કરાવે તો જ નવી પાઇપલાઇનનું કામ થઇ શકે તેવો મત છે.