Rajkot, તા. 1
રાજકોટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાનગરપાલિકા અને રાજય સરકારના પ્રવાસન નિગમના ઉપક્રમે સંક્રાંતિના બે દિવસ પૂર્વે તા.12ના રોજ રવિવારે ડો.યાજ્ઞિક રોડ પરના ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનુ પ્રવાસન ક્ષેત્ર આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે દર વર્ષે રાજ્યના વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવાની શરૂઆત કરાવી હતી. જે મુજબ આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે તા.12ને રવિવારના રોજ સવારે ધર્મેન્દ્રસિંહજી કોલેજ (ડી.એચ. કોલેજ)ના ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિવિધ દેશો તથા ભારતના વિવિધ રાજ્યોના પતંગવીરો ભાગ લેનાર છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલાના હસ્તે કરવામાં આવશે તેમજ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, મંત્રી શ્રીમતી બીનાબેન આચાર્ય, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે.ચેરમેન જયમીનભાઈ ઠાકર, કમિશનર તુષાર સુમેરા, પ્રવાસન નિગમના કમિશનર અને મેનેજિંગ ડીરેક્ટર સાઈડીંગપુઈ છાકછુઆક, શાસક પક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડો.માધવભાઈ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા,સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, મનપાના અધિકારી-કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહેશે.
આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જોડવા તેમજ નિહાળવા ઉપસ્થિત રહેવા પદાધિકારીઓ અને મ્યુનિ. કમિશ્ર્નરે નગરજનોને આમંત્રણ પાઠવ્યું છે. આ વર્ષે પતંગ મહોત્સવ રવિવારે મળ્યો હોય, શહેરીજનો અને બાળકોને મોજ પડી જશે. દર વર્ષે એક સપ્તાહમાં અલગ અલગ શહેરોમાં સરકાર પતંગ મહોત્સવ ઉજવે છે તે ઉલ્લેખનીય છે.