Vadodara,તા.03
યુનિવર્સિટીઓ અને કોલેજોના વિદ્યાર્થીઓના સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવા માટે અને તેમને રોકાણકારો સાથે એક મંચ પર લાવવા માટે વડોદરાના ઔદ્યોગિક સંગઠન વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્સ્ટ્રી દ્વારા આજે વડોદરા સ્ટાર્ટ અપ હબનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
આ સ્ટાર્ટ અપ હબ સાથે મધ્ય ગુજરાતની ૩૫ યુનિવર્સિટીઓ અને કોલેજો જોડાઈ છે.આમ આ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓને પોતાના સ્ટાર્ટ અપને અને ઈનોવેશનને પ્રમોટ કરવા માટે એક નવું પ્લેટફોર્મ મળશે.
આજે એક વર્ચ્યુઅલ ઈવેન્ટમાં ગુજરાત સરકારે સ્ટાર્ટ અપ ઈકો સિસ્ટમને ઉત્તેજન આપવા માટે સ્થાપેલા આઈ-હબના સીઈઓ હિરન્મય મહંતા અને એક યુનિકોર્ન સ્ટાર્ટ અપના સ્થાપક નિર્મિત પરીખ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું.વીસીસીઆઈના માનદ મંત્રી જલેન્દુ પાઠકનું આ પ્રોજેકટ અંગે કહેવું હતું કે, સ્ટાર્ટ હબ સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓના સ્ટાર્ટ અપને ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડવાનો છે.વીસીસીઆઈ ૨૪૦૦ કરતા વધારે નાના મોટા ઉદ્યોગો માટે કાર્યરત છે અને તેને ૨૭ થી વધુ ઔદ્યોગિક સંગઠનોનો ટેકો છે.
સ્ટાર્ટ અપ શરુ કરવા માગતા વિદ્યાર્થીઓને વડોદરા સ્ટાર્ટ અપ હબ થકી રોકાણકારો સાથે એક મંચ પર લાવવામાં આવશે.ઉપરાંત વિદ્યાર્થીઓને નિષ્ણાતો માર્ગદર્શન આપશે.સાથે સાથે સ્ટાર્ટ અપ ટીમોના સ્કિલ ડેવલપમેન્ટ માટે નિયમિત વર્કશોપ, રોકાણકારો સાથે નેટવર્કિંગ ઈવેન્ટસ યોજવામાં આવશે.સ્ટાર્ટ અપ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને તેમની પ્રોડકટને રજૂ કરવા માટે પણ તક અપાશે.કંપની રજિસ્ટ્રેશન, ઈન્ટલેક્ચ્યુલ પ્રોપર્ટી રાઈટસ જેવી કાયદાકીય બાબતો માટે પણ સહાય પૂરી પાડવામાં આવશે.
આઈ હબના સીઈઓ હિરન્મય મહંતાનું કહેવું હતું કે, સ્ટાર્ટ અપને અત્યારે ત્રણ એમ એટલે કે મની, મેન્ટર અને માર્કેટની જરુર છે.સ્ટાર્ટ અપ પાસે ઈન્ડસ્ટ્રી સાથેનું યોગ્ય જોડાણ નથી.વડોદરા સ્ટાર્ટ અપ હબના કારણે વિદ્યાર્થીઓને આ તમામ પરિબળો ઉપલબ્ધ થશે તેવી આશા છે.