Rajkot, તા.4
લોખંડના વાયરનો ઓર્ડર કર્યો પણ માલ ન મળ્યો અને કારખાનેદાર સાથે 18 લાખની ઠગાઈ થઈ. રાજકોટમાં રહેતા અને શાપરમાં કારખાનું ધરાવતા જયદીપ ગઢીયાએ વિપુલ પટેલ સામે શાપર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સાવન એન્ટરપ્રાઈઝ પેઢીનું સરનામું રાજકોટ અંબીકા ટાઉનશીપ ચોકલેટ રેસીડન્સી બતાવેલ પણ સ્થળ પર આવી કોઈ પેઢી જ નહોતી.
ફરિયાદી જયદીપ સુરેન્દ્રભાઈ ગઢીયા (ઉં.વ.38, રહે.રાજકોટ કાલાવડ રોડ ડેકોરા વેસ્ટ હીલ એપાર્ટમેન્ટ ફ્લેટ)એ જણાવ્યું કે, હું મારા પરીવાર સાથે રહું છું. શાપર અંકુર ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં જયદીપ ટ્રેડસ નામે વાયરનું કારખાનુ ચલાવી વેપાર ધંધો કરું છું. કારખાનામાં લોખંડનો વાયર બનાવી વેચાણ કરું છું. આ વાયર બનાવવા માટે લોખંડનો વાયર રોડ (એમ.એસ. વાયર રોડ)ની જરુરીયાત રહેતી હોય છે.
જેથી હું અલગ અલગ કારખાનામાંથી લોખંડનો વાયર ખરીદ કરું છું. ગઈ તા.26/10/2024 સવારના આશરે દસથી સાડા દસ વાગ્યાના અરસામાં રાજકોટથી શાપર આવતો હતો. તે દરમ્યાન મારા મો નં. પર ફોન આવેલ. અને વાત કરેલ કે હું સાવન એન્ટરપ્રાઇઝ રાજકોટ ખાતેથી બોલું છું. અમો લોખંડના એમ.એસ. વાયરનો વ્યવસાય કરીએ છીએ અને તમારે કારખાનામાં જરૂરીયાત હોય તો કહેજો. વાયરનો એક કીલો ગ્રામનો ભાવ રૂ.57 કહ્યો હતો.
વધુમાં જયદીપએ જણાવ્યું કે, આ વાયરની બજાર કિંમત કિલોના રૂ.60 છે. જયારે સાવન એન્ટરપ્રાઈઝ વાળા વિપુલભાઇ પટેલ એક કીલોના રૂ.57 લેખે વાયર આપતા હતા. જેથી મેં તારીખ-28/10/2024 ના રોજ આ સાવન એન્ટરપ્રાઇઝ વાળા વીપુલભાઈ પટેલને 2 8150,500 કીલો વાયરનો ઓર્ડર આપેલ. રૂ.18,93,403નું બીલ મને વોટસએપ કરેલ. એડવાન્સ પ્રેમેન્ટ કરવાનું કહેલ.
મેં સાવન એન્ટરપ્રાઇઝના બેંક એકાઉન્ટમાં રૂ.18,00,000 પેમેન્ટ કરી દીધેલ. મને માલ ન મળતા મેં આ પેઢીના સરનામે રાજકોટ અંબીકા ટાઉનશીપ ચોકલેટ રેસીડન્સી ફ્લેટ નંબર 201 ખાતે તપાસ કરતા ત્યા કોઇ સાવન એન્ટરપ્રાઈઝની ઓફીસ નહોતી. વિશ્વાસઘાત કરી મારી સાથે ઠગાઇ થયાનું ખ્યાલ આવતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.