Kolkata, તા.૪
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની પુત્રી સના ગાંગુલીને શુક્રવારે સાંજે કોલકાતાના ડાયમંડ હાર્બર રોડ પર બસે જોરદાર ટક્કર મારી દીધી હતી. જોકે આ અકસ્માતમાં સના ગાંગુલીનો આબાદ બચાવ થયો છે, તેને કોઈ ઈજા નથી પહોંચી. પ્રાપ્ત માહિતી પ્રમાણે સના પોતાની કારમાં ડ્રાઈવરની બાજુની સીટ પર બેઠી હતી. તેમની કાર બેહાલા ચાર રસ્તા પાસે બસ સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ બસ ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, પરંતુ સના ગાંગુલીની કારના ડ્રાઈવરે તેનો પીછો કર્યો હતો. સાખેર બજાર પાસે તેને રોકી લીધો હતો.
આ ઘટના બાદ સના ગાંગુલીએ પોલીસને આ અંગે સૂચના આપી હતી. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બસ ડ્રાઈવરની ધરપકડ કરી લીધી હતી. આ ટક્કરમાં સનાની કારને સામાન્ય નુકસાન પહોંચ્યું હતું. સના ગાંગુલી સૌરવ ગાંગુલી અને તેની પત્ની ડોના ગાંગુલીની એકની એક દીકરી છે. સનાએ પોતાનું પ્રારંભિક શિક્ષણ લોરેટો હાઉસ, કોલકાતામાંથી મેળવ્યું હતું અને ત્યારબાદ યુનિવર્સિટી કોલેજ લંડનમાંથી અર્થશાસ્ત્રમાં ડિગ્રી મેળવી હતી. હાલમાં સના ગાંગુલી લંડન સ્થિત બુટિક કન્સલ્ટિંગ ફર્મ માં કન્સલટન્ટ તરીકે કામ કરી રહી છે. સનાનો વ્યાવસાયિક અનુભવ વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલો છે. તેણે ઈનાક્ટસ નામના એક સંગઠન સાથે ફૂલ-ટાઈમ કામ કર્યું છે. આ ઉપરાંત તે જેવી પ્રતિષ્ઠિત કંપનીઓમાં ઈન્ટર્ન પણ રહી ચૂકી છે.
સના ગાંગુલી સામાજિક મુદ્દાઓ પર પણ સક્રિય રહે છે. ઓગસ્ટ ૨૦૨૪માં તેણે કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે જુનિયર ડોક્ટર સાથે રેપ અને હત્યાના વિરોધમાં એક મીણબત્તી માર્ચમાં પણ ભાગ લીધો હતો. આ દરમિયાન સનાએ કહ્યું હતું કે, અમને ન્યાય જોઈએ છે. તેને મેળવવા માટે ગમે તે કરવું પડે અમે કરીશું. આવી ઘટનાઓ બંધ થવી જોઈએ. રોજ આપણે રેપની ઘટનાઓ સાંભળી રહ્યા છીએ અને દુઃખ થાય છે કે ૨૦૨૪માં પણ આવું થઈ રહ્યું છે.