Mumbai તા.10
બાંદ્રા વિસ્તારમાં આવેલા ઉદ્ધવ ઠાકરે પરિવારના નિવાસસ્થાન માતોશ્રીની બહાર એક અજાણ્યું ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો જેના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.
હાઈ સિક્યુરિટી ઝોનમાં ગણાતા આ વિસ્તારમાં ડ્રોન દેખાતા સુરક્ષા એજન્સીઓ અને ઠાકરે જૂથ બંનેને ચિંતામાં મૂકી દીધા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ ડ્રોન માતોશ્રી અને MMRDA ઓફિસ વચ્ચેના રસ્તા પર થોડા સમય માટે ઉડતું જોવા મળ્યું હતું. માતોશ્રી ખાતે તૈનાત સુરક્ષા કર્મચારીઓએ ડ્રોન જોતાં જ તેનો વીડિયો રેકોર્ડ કર્યો અને સંબંધિત સુરક્ષા અધિકારીઓને તેની જાણ કરી હતી.
મળતી માહિતી મુજબ, આ ઘટના બાદ ઠાકરે જૂથે આરોપ લગાવ્યો હતો કે આ ડ્રોન દ્વારા ઉદ્ધવ ઠાકરેને મળવા આવતા લોકોની જાસૂસી કરવામાં આવી રહી છે. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) ના નેતા અંબાદાસ દાનવેએ જણાવ્યું હતું કે, માતોશ્રી સંકુલ હાઈ સિક્યુરિટી ઝોન આવે છે. તેમ છતાં, આવા ડ્રોન ઉડવા એ સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ગંભીર મુદ્દો છે. શું કોઈ માતોશ્રી પર જાસૂસી કરી રહ્યું છે? આની તપાસ થવી જોઈએ.
મુંબઈ પોલીસે જણાવ્યું કે, MMRDAની પરવાનગી મુજબ BKC અને ખેરવાડી વિસ્તારોમાં ડ્રોન સર્વે ચાલી રહ્યો છે. ડ્રોન કદાચ એ જ સર્વેનો ભાગ હતો અને કોઈ વ્યક્તિગત જાસૂસીનો પણ કેસ નથી.

