ચાલકે બસ ઉભી નહિ રાખતા અકસ્માત સર્જાયો : ધો.-10ની આશાસ્પદ વિદ્યાર્થીએ જીવ ગુમાવતા પરિજનોનો શોકમાં ગરકાવ
Rajkot,તા.04
રાજકોટની ભાગોળે આવેલા કુવાડવાની વાંકાનેર ચોકડીએ શાળાથી છુટયા બાદ પોતાના ગામ ખખાણા જવા એસટી બસની રાહ જોઇને વિદ્યાર્થીનીઓ ઉભી હોઇ વાંકાનેર-રાજકોટ રૂટની બસ આવતાં વિદ્યાર્થીનીઓ બસના દરવાજા તરફ જતાં ચાલકે બસ ઉભી ન રાખી આગળ ભગાવતાં બે વિદ્યાર્થીની ઠોકરે ચડી જતાં એક છાત્રા પર બસનું પાછલુ વ્હીલ ફરી વળતાં કમકમાટીભર્યુ મોત થયું હતું. બનાવમાં કુવાડવા રોડ પોલીસે મૃત્યુ પામનાર અંજુ (ઉ.વ.૧૬)ના પિતા ધનજીભાઇ વિનુભાઇ ગઢદરા(રહે. ખખાણા, વાંકાનેર)ની ફરિયાદ પરથી એસટી બસ નં. જીજે૧૮ઝેડ-૬૪૯૬ના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર મૃત્યુ પામનાર વિદ્યાર્થીની અંજુ બે બહેન અને એક ભાઇમાં બીજા નંબરે હતી અને કુવાડવા ગામની મીડલ સ્કૂલમાં ધોરણ-૧૦માં અભ્યાસ કરતી હતી. તે દરરોજ ખખાણા ગામથી કુવાડવા શાળાએ જવા માટે એસટી બસમાં અપડાઉન કરતી હતી. શુક્રવારે બપોરે એકાદ વાગ્યે પિતા ધનજીભાઇ ઘરે હતાં ત્યારે તેના નાના ભાઇ સંજયભાઇએ ફોન કરી કહ્યું હતું કે-તમારી દિકરી અંજુને વાંકાનેર ચોકડી પાસે કુવાડવા ગામે એસટી બસના ટાયરમાં આવી જતાં ઇજા થઇ છે અને કુવાડવા પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ ગયા છે. હું ત્યાં જાઉ છું તમે પણ આવો. જેથી પિતા ધનજીભાઇ ગઢદરા તત્કાળ કુવાડવા પહોંચ્યા હતાં. જ્યાં તેમને તેમના ભાઇ, મોટા બાપુ મારફત ખબર પડી હતી કે અંજુનું થોડીવારની સારવાર બાદ મૃત્યુ થયું છે.