Gujarat,તા.06
ગુજરાતીઓનો સોનાનો પ્રેમ જાણીતો છે અને દેશમાં સોનાની દાણચોરી અમદાવાદ, સુરત સહિતના વિમાની મથકોથી કેરાળા બાદ સૌથી વધુ થાય છે પણ ઈન્વેસ્ટર પ્રેમી ગુજરાતીઓ હવે ગોલ્ડ ઈટીએફનો ક્રેઝ પણ લાગ્યો છે.
ખાસ કરીને યુવા ગુજરાતીઓ હવે ફિઝીકલ સોનુ ખરીદવાના બદલે આ ડીજીટલ સોનુ ખરીદવા માટે સૌથી આગળ છે તથા રાજયમાં ગોલ્ડ-ઈટીએફમાં રોકાણ 95% જેટલું વધી ગયુ છે.
એસોસીએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડના ડેટા મુજબ 2024ના નવેમ્બરમાં એસેટસ અન્ડર મેનેજમેન્ટ (એએમયુ) 675.5 કરોડ નોંધાયુ જે 1 વર્ષ પુર્વે નવે 2023માં 345.21 કરોડ નોંધાયું હતું. જો કે ગુજરાતીઓના એકંદર મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં હજુ ગોલ્ડ ઈટીએફનું રોકાણ થોડું જ છે પણ લોકોનો રોકાણનો નજરીયો બદલાવા લાગ્યો છે.
ખાસ કરીને સોનાના ભાવમાં વધારો અને શેરબજાર કે અન્ય રોકાણ કરતા સોના-ચાંદીમાં વળતર વધુ સારુ રહે છે તેથી હવે ગોલ્ડ ઈટીએફ તરફ રોકાણ વધ્યુ છે. સોનાના એકસચેંજ ટ્રેડેડ ફંડ પણ હવે સોનામાં રોકાણ માટે રૂા.10 જેટલી નાની રકમની એનઆઈપી પણ લાવી રહ્યા છે.
સોનાનો ભાવ સપ્ટેમ્બર 2024માં રેકોર્ડ સપાટીએ પહોંચ્યા હતા અને આ પ્રકારના ફંડ એ લાંબાગાળાની સ્થિરતા અને સલામતીની સાથે નફો આપે છે તે એક પ્રસ્થાપીત થઈ રહેલી વાસ્તવિકતા અને તેની સોનામાં ઉંચા ભાવે મોટુ રોકાણ જરૂરી છે અને તેની સામે ગોલ્ડ ઈટીએફએ સરળ અને નાનું રોકાણ પણ લાંબાગાળે મોટો પોર્ટફોલિયો બનાવી શકાય છે અને સોનાના ફિઝીકલ સ્ટોરેજ તેની શુદ્ધતા વિ.ની ચિંતા રહેતી નથી.
મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણની વૈવિધતા મળી છે અને ખાસ કરીને શેરબજારની તોફાની વધઘટ આગામી સમયની પણ અનિશ્ચિતતા છે તેની સરખામણીમાં સોનામાં રોકાણ એ વધુ સલામત બની ગયુ છે તેમાં ભાવની મોટી તોફાની વધઘટની શકયતા નહીવત છે.
ભારત સહિતની વિશ્વની સેન્ટ્રલ બેંકો પણ સોનામાં તેના રોકાણ વધારી રહી છે. ભારતમાં આરબીઆઈએ છેલ્લા ત્રણ માસમાં 30 ટન વધુ સોનુ ખરીદીને ચલણની સ્થિરતા માટે પ્રયાસ કરે છે. ખાસ કરીને વૈશ્વિક રીતે પણ જે રીતે યુદ્ધ સહિતની અસ્થિરતા છે તેના કારણે પણ સોનાની માંગ વધી છે.
2024ના વર્ષમાં સોનાની એકંદર આયાત 123 ટન ફકત અમદાવાદ એરપોર્ટ મારફત થઈ છે અને સોનાના ભાવ વધતા ઘરમાં સંગ્રહાયેલુ તથા ખાસ કરીને રોકાણકાર તરીકે જેઓએ સોનુ સંગ્રહ કરી રાખ્યો હતો તેમાં પણ નફો બુક કરવા માટે સોનુ બજારમાં વેચી રહ્યા છે. લોકો પોર્ટફોલિયાને મજબૂત રાખવા માટે સોના ભણી વળી રહ્યા છે.
ખાસ કરીને આ પ્રકારનું રોકાણ હવે સરળ પણ બની ગયુ છે. ગોલ્ડ ઈટીએફમાં રોકાણમાં વધતો રસથી રોકાણકારોને સરળતા રહે છે.